Cover Story

Cover Story, Spiritual

Jainism and its basic Understanding જૈનિઝમ – એક આંશિક અભ્યાસક્રમ

Jainism – જૈનિઝમ Written BY : Vinod Shah ‘Vaasu’ – Anand, Gujarat 30th Aug. 2026 જય જીનેન્દ્ર, અહીં એ જણાવતા આનંદ થાય છે કે અમે ખુબ જ જલ્દી આવી રહયાં છીંએ જૈનિઝમના એક એવા આંશિક અભ્યાસક્રમને લઇને, કે જે દરેક જૈન કુટુંબનાં બાળકને જૈનિઝમના બેઝિક શબ્દોને ઓળખવામાં મદદરૂપ બની શકે, તેનો અર્થ સમજી શકે,  નવી પેઢીમાં એક વર્ગ એવો છે કે જે જૈન હોવા છતાં કૌટુંબિક વાતાવરણ, ન્યુકલયિર થતાં જતા કુટુંબો કે માતા – પિતાની વ્યસ્તતાને કારણે હજી જૈનિઝમની સાચી ઓળખ, તેનાં કેટલાંક શબ્દોની સમજ, જૈનિઝમના મુળભુત  સિધ્ધાંતો, જૈનિઝમમાં સમાવિષ્ટ સુક્ષમ કે ગહન વિજ્ઞાન જેવી બાબતો થી અપરિચીત છે. જેનો પરિચય કે આંશિક મુળભુત સમજ હોવી ખુબ જરૂરી છે, જે સંદર્ભ અમારો અત્રે નમ્ર પ્રયાસ છે કે અમે શકય તેટલી સરળ ભાષામાં તેને નવી પેઢી સુધી આ ડિજીટલ માધ્યમ દ્વારા પહોંચાડી શકીએ.   અહીં જરૂર રહેશે માતા –પિતાના સહકારની કે જેઓ માત્ર આ ટુંક સમયમાં જ શરૂ થઇ રહેલ શ્રેણીને તેમનાં સંતાનો સુધી પહોંચાડી તેમને યોગ્ય રીતે માત્ર તે નિયમિત વાંચવા પણ પ્રરિત કરી શકે. અમે આ યુગની વાસ્તવિકતાને નજર સમક્ષ રાખતાં દરેક આર્ટિકલ  ટુંકાણમાં આપવા પ્રયત્નશીલ છીંએ કે જેથી યુવા પેઢી માટે તે સરળ બની રહે. આ વિષય ને ન્યાય આપી રહયાં છે આણંદ સ્થિત પ્રસિધ્ધ સાહિત્યકાર અને જૈનિઝમનો સારો અભ્યાસ ધરાવતા શ્રી વિનોદ શાહ, જેઓનું ઉપનામ “વાસુ” છે. જેઓ જૈનિઝમ ઉપર અત્યાર સુધી પ્રસંશનીય કાર્ય કરી ચુકયા છે.   અત્રે તેમનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે:-       વિનોદ શાહ એક સાહિત્યકાર Author : Vinod Shah “Vaasu”       વિનોદ શાહ ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. નવલકથા લેખન અને પટકથા લેખન એમની આગવી આવડત છે. જૈન સાહિત્ય તેમજ જ્યોતિષને લગતું સાહિત્ય તેમના આગવા વિષયો છે. ૪૮ જેટલી નવલકથાઓ, જૈન સાહિત્યમાં ૮ પુસ્તકો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર તેમજ અંકશાસ્ત્રને લગતાં ૧૨ પુસ્તકો, આ તેમની સાહિત્યરચનાની યાદી છે. આ સિવાય માનવની આભાનું વાંચન (Aura Reading), રેકીની સારવાર, જૈન જ્યોતિષમાં વિશેષ જ્ઞાન એ તેમની વિશેષતાઓ છે. તે જેટલી સરળ ભાષામાં નવલકથાઓ લખે છે તેથી પણ વધારે સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનને લગતાં પુસ્તકો લખે છે અને આ જ તેમની સૌથી મોટી ખૂબી છે જે તેમને એક સાહિત્યકાર તરીકે સફળ બનાવે છે. વર્તમાન પત્રોમાં તેમની ધારાવાહિક નવલકથાનું પ્રકાશન તેમજ જ્યોતિષશાસ્ત્રને લગતી કોલમ એ તેમની આગવી ઓળખ છે. – વિનોદ શાહ ‘વાસુ’ ૯૯૭૯૧૩૭૩૮૦

Cover Story, Matrimonial

Glorious Gujarati – ॥ હું ગૌરવવંતો ગુજરાતી ॥

Written BY : Vinod Shah ‘Vaasu’ – Anand, Gujarat 5th July, 2026 Glorious Gujarati        મારું ગુજરાત. એક દિવસ પ્રભુ એક નારીની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા! એને વરદાન માગવા માટે કહ્યું અને નારીએ વરદાન માંગતા કહ્યું: “પ્રભુ, મને એવું વરદાન આપો કે મારી સાતમી પેઢીના સાતમા સંતાનને સાત માળની હવેલીના સાતમા માળે સોનાના પારણામાં હું ઝુલાવું.        આ એક જ વાક્યના વરદાનમાં કેટકેટલું માગી લીધું એ નારીએ. સાત સાત ભવની સાધનાથી પણ ભાગ્યેજ મળે એવું અનેરું સુખ પ્રભુની પાસે એક જ વરદાનમાં માગી લીધું. એ હતી ગુર્જર નાર, શ્રી એના કપાળે દોરાયેલી હતી અને સરસ્વતી એની જીભે વસેલી હતી.        હું ગૌરવવંતો ગુજરાતી. આવી ગુર્જર માતાનું સંતાન છું. કહો કે, મારું ગુજરાત આવી એક ગુર્જર નારીના વરદાનથી રચાયું છે. Author : Vinod Shah “Vaasu”        હવે જરા મારા ગુજરાતને ઈતિહાસની દૃષ્ટિએ જોઈએ. પત્થર યુગ અને હડપ્પા સંસ્કૃતિનો એ કાળ હતો. આ કાળની લગભગ પાંચમી સદીમાં સાબરમતી અને મહી નદીના કિનારે કેટલાક ગુર્જરો આવીને વસ્યા. લોથલ, રામપુર, આમરી અને અન્ય કેટલાંક સ્થળોએ પણ તેમણે પોતાનો વસવાટ કર્યો. અહીંની ભૂમિને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી જે આગળ જતાં તેમની જન્મભૂમિ બની ગઈ. સાતમી આઠમી સદી સુધીમાં તેમની વસ્તી નોંધપાત્ર બની ગઈ. આજના રાજસ્થાન અને ગુજરાતનો મોટો ભાગ ગુજરાત અથવા ગુર્જર ભૂમિ તરીકે જાણીતો થયો. તવારીખની તારીખો કહે છે કે ૨૫ મે, ૧૪૫૮થી ૨૩ નવેમ્બર, ૧૫૧૧ સુધી ગુર્જર ભૂમિ પર મહમૂદ બેગડાનું શાસન રહ્યું. એટલે કે તેણે ૪૩ વર્ષ સુધી આ ભૂમિ પર રાજ્ય કર્યું. આ દરમ્યાન તેણે માળવાને પણ ગુજરાતમાં સમાવી લીધું. તેના લાંબા શાસનકાળ પછી મોગલ શાસન નબળું પડતું ગયું. તેમાંય તૈમુરના પતન પછી મોગલ સલ્તનત સાવ નબળી પડી. આનો લાભ ઉઠાવી છેલ્લા તઘલગી સુબા ઝફરખાને પોતાને સ્વતંત્ર રાજા જાહેર કરીને ગુજરાત સલ્તનતની સ્થાપના કરી. તેના પૌત્ર અહમદ શાહ સુધી ગુજરાત તઘલગી શાસનમાં રહ્યું. અહમદ શાહને પોતાના રાજ્ય માટે નવી રાજધાનીની શોધ હતી. એક દિવસ તે ફરવા નીકળ્યો હતો ત્યાં તેણે એક અવનવું દૃશ્ય જોયું. તેણે જોયું કે એક સસલાની પાછળ એક કૂતરું પડ્યું હતું. સસલાએ પહેલાં થોડી પીછેહઠ કરી, પરંતુ જ્યારે જોયું કે કૂતરું તેના પર હાવી થઈ રહ્યું છે ત્યારે તેણે પૂરા જોશ અને સાહસ સાથે કૂતરાની સામે મોરચો માંડી દીધો. કૂતરાએ પીછેહઠ કરવી પડી. અહમદશાહ એ સસલાના સાહસ પર આફરિન પોકારી ગયો. તેને થયું કે જે ભૂમિના સસલામાં આવું સાહસ હોય તે ભૂમિ પોતે કેટલી પરાક્રમી હોય? અને તેણે ત્યાં જે કર્ણાવતી નગરી હતી ત્યાં જ તેણે પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ નામનું એક શહેર વસાવ્યું જે ગુજરાતનું પાટનગર બન્યું. મોગલ શાસન બાદ અંગ્રેજોના શાસનમાં અને સ્વતંત્રતા પછી ભારતવર્ષના શાસનમાં અમદાવાદ ગુજરાતના પાટનગર તરીકે જળવાઈ રહ્યું. આજે પણ એના માટે ગવાય છે કે,        ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદ શાહને ‘શહર’ બસાયા!’        અને ઈતિહાસ કહે છે કે આ અમદાવાદના પાણીએ ભલભલાનું પાણી માપી લીધું છે. અહીંના જ અહિંસાના એક સંતે અંગ્રેજોના પગે એવું પાણી લાવી દીધું કે એમણે ભારત દેશને આઝાદ કરવો પડ્યો.        આ અમદાવાદ ભારતનું સૌ પ્રથમ ‘UNESCO World Heritage City‘છે.        આધુનિક ગુજરાતનું સૌથી જુનું શહેર છે ભરુચ. ભારતનું તે બીજા નંબરનું એવું સૌથી જુનું શહેર છે જે દરેક પ્રકારના ઐતિહાસિક અને ભૌગોલિક બદલાવો વચ્ચે પણ હંમેશા અડીખમ રહ્યું છે. એથી જ કહેવાય છે કે, ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ. ભારતનું એક નંબરનું સૌથી જુનું શહેર છે વારાસણી, જે કાશી તરીકે પણ ઓળખાય છે, અને એ જુઓ કે એ કાશી આજે એક ગુજરાતી વડાપ્રધાન, ‘નરેન્દ્ર મોદી’ના શહેર તરીકે ઓળખાય છે. ભારતે પોતાના વડાપ્રધાન વારાસણીથી ચૂંટ્યા છે.        નરેન્દ્ર મોદી પહેલાં ગુજરાતે ભારતને મહાત્મા ગાંધી આપ્યા, જે ભારતની સ્વતંત્રતાના શિલ્પી રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા જેમણે વિવિધ રજવાડાંઓને જોડીને વિશાળ ભારત બનાવ્યું. અને જે ગુજરાતના પિતા કહેવાય છે તે રવિશંકર મહારાજને કેમ કરીને ભૂલાય? એમની ‘માણસાઈના દિવા’ આજે પણ ગુજરાતની ભૂમિની એક ગૌરવગાથા બનીને પ્રકાશી રહ્યા છે. આ જ ભૂમિ પર સયાજીરાવ ગાયકવાડ જેવા આદરપાત્ર શાસકે વડોદરાને શ્રીમંત બનાવવાની સાથે જ  કલા અને સંસ્કાર નગરી પણ બનાવ્યું. ભારતના બંધારણને ઘડવામાં જેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી તે કનૈયાલાલ મુનશી પણ ગુજરાતના જ. અવકાશ વિજ્ઞાનના પ્રણેતા વિક્રમ સારાભાઈની જન્મભૂમિ પણ ગુજરાત જ. આ જ ભૂમિના ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિ માત્ર ગુજરાત કે ભારતના જ નહીં, પરંતુ સમગ્ર એશિયાના સૌથી ધનવાન માનવ છે. અંબાણી પરિવાર પણ મૂળે તો ગુજરાતનો જ. દાદાભાઈ નવરોજી, અઝીઝ પ્રેમજી, જમશેદજી ટાટા, ડાયના એડલજી જેવી મહા વિભૂતિઓનાં નામોથી ગૌરવવંતો છે ગુજરાતનો ઈતિહાસ.        તો ગુજરાતની વિદૂષીઓને કેમ ભૂલાય? કસ્તૂરબાથી શ‚કરીને મૃણાલિની સારાભાઈસુધીનાં નામ છે આપણી પાસે. સમાજ સેવિકા ઈલાબેન ભટ્ટ, સાહિત્યમૂર્તિ ઈલા આરબ મહેતા, અભિનેત્રી આશા પારેખ, ટેનિસ પ્લેયર અંકિતા રૈના, લોકગીતોનાં અનોખાં ગાયિકા દિવાળીબેન ભીલ, ફિલ્મી ગીતોની ગાયિકા શ્રેયા ઘોષાલ, આવાં તો ગુજરાતનાં અનેક નારી રત્નો છે.        બેશક, આ સૌ ગુજરાતનાં મહામૂલો રત્નો છે. પરંતુ આ બધાંની સાથે જ ગુજરાતની ભૂમિને મળ્યો છે ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો. આ દરિયાકિનારો ગુજરાતની ભૌગોલિક મહત્તાને વધારે છે. યાદ રહે, રાજા કુમારપાળના સમયમાં ગુજરાતના ખંભાતનો દરિયાકિનારો સમગ્ર વિશ્ર્વ સાથે વેપારથી જોડાયેલો હતો અને આ દરિયાકિનારાએ જ કુમારપાળ તથા તેના પહેલાંના રાજાઓને સમૃદ્ધિ બક્ષી હતી. વાસ્તવમાં અગિયારમી તથા બારમી સદીનો કાળ ગુજરાત માટે સુવર્ણકાળ બની રહ્યો હતો. આ દરમ્યાન સોલંકી રાજાઓ, રાજપૂત રાજાઓ તથા કુમારપાળ જેવા જૈન રાજાને કારણે ગુજરાત અત્યંત સમૃદ્ધ રાજ્ય બનીને રહ્યું હતું.        આજની ગુજરાતી ભાષાનો જન્મ પણ આ સમયમાં જ થયો હતો અને ગુજરાતી ભાષાનું વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈન આચાર્ય હેમચંદ્ર દ્વારા રચાયું હતું જે ‘સિદ્ધહેમ વ્યાકરણ’ તરીકે સુપ્રસિદ્ધ છે. આ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જ રાજા કુમારપાળે ગુજરાતને એક મહાન રાજ્ય બનાવ્યું હતું. તે સમયે રાજ્યમાં સંપૂર્ણપણે ‘અમારિ ઘોષણા’ પ્રર્વત્તી રહી હતી. મતલબ કે ત્યારે હિંસા પર સંપૂર્ણત: પ્રતિબંધ હતો. ત્યાં સુધી કે હિંસાસૂચક શબ્દ ‘માર’નો પણ કોઈ ભૂલથીય ઉચ્ચાર કરી શકતું નહોતું.        સોલંકી રાજાઓ તથા રાજપૂતોના યુગ પછી ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું જેનો ભોગ ગુજરાત પણ બન્યું. અંગ્રેજોએ પોતાનો લાભ જોઈને દેશ ના અન્ય વિસ્તારોનો વિકાસ કર્યો અને ગુજરાતનો વેપાર વિવિધ સ્થળે ખેંચાઈ ગયો. ગુજરાત એક સમયે મહારાષ્ટ્રનો જ એક ભાગ ગણાતું હતું. અંતે ૧ મે ૧૯૬૦માં આજના ગુજરાતની સ્થાપના થઈ. તે સમયે ગુજરાતના ૧૭ જિલ્લા હતા, હવે ૩૩ જિલ્લા છે. તેમાંથી કચ્છ એ સૌથી મોટો અને સૌથી શ્રીમંત જિલ્લો છે જ્યારે ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે. વસ્તીની દૃષ્ટિએ અમદાવાદ સૌથી મોટું શહેર છે તો ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર છે. જામનગરની ઓઈલ રિફાઈનરી વિશ્ર્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે તો સુરત શહેર તેના હિરાઓના વેપારના કારણે ગુજરાતની શ્રીમંતાઈનું ઉન્નત મસ્તક બની રહ્યું છે. તો (કલા નગરી) વડોદરા

Achievers, Cover Story

સુરતને મળેલ પ્રસંશનીય, નિષ્ઠાવાન યુવા નેતૃત્વ. શહેરને તેની ઓરિજીનલ ઓળખ “સુરત સોનાની મુરત” પરત અપાવવા તેઓ ઉત્સુક છે. Surat got an Ethical Young Committed Leader

‘Kigali’ – Rwanda, ‘રવાન્ડા’ના પાટનગર ‘કિગાલી’ની યશગાથા – તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આવું નિષ્ઠાવાન નેતૃત્વ ધારે તો શું કરી શકે ? ‘Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) Producer 31st May, 2026 સ્વચ્છતા, નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ : શું આ ઇશ્વરની સાચી ભક્તિ નથી? આપણે ભવ્ય મંદિરોનું નિર્માણ કરીએ છીએ, વિશાળ ધાર્મિક સમારંભો યોજીએ છીએ, યાત્રાધામોની મુલાકાત લઈએ છીએ, પરંતુ શું માત્ર આટલાથી જ ઇશ્વરની સાચી કૃપા પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્ન દરેક જાગૃત અને જવાબદાર ભારતીયના મનમાં અવશ્ય ઉદ્ભવવો જોઈએ. વાસ્તવમાં ઇશ્વરની સાચી ભક્તિ આપણા દૈનિક જીવનમાં રહેલી સ્વચ્છતા, શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા અને નાગરિક તરીકેની સામાજિક જવાબદારીઓના પાલનમાં વસે છે. જો આપણે પોતાના ઘર, માર્ગો, વિસ્તાર, ગામ, શહેર અને સમગ્ર સમાજને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાની પ્રામાણિકતા દાખવીએ, તો તે પણ ઇશ્વરની સર્વોચ્ચ ઉપાસના સમાન જ ગણાય. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન યુરોપે સાવચેતીપૂર્વક નિર્ણય લેતા, ચોક્કસ શરતોને આધિન માત્ર ગણતરીના દેશોને જ યુરોપિયન યુનિયનમાં પ્રવેશ આપવા નક્કી કર્યું હતું, આશ્ચર્યની વાત એ હતી કે તેમાં આફ્રિકાનો એક નાનકડો દેશ પણ સમાવિષ્ટ હતો. ગુજરાતીમાં એક કહેવત છે – “મન હોય તો માળવે જવાય.” આ કહેવત અહીં એટલા માટે યાદ આવે છે કે વિશ્વનો એ નાનકડો દેશ મધ્ય આફ્રિકાનો ‘રવાન્ડા’. માત્ર બે દાયકા પહેલાં જ, ત્યાંની બે મુખ્ય પ્રજાઓ હુતુ અને તુત્સુ – વચ્ચેના ભયાનક સંઘર્ષમાંથી પસાર થયેલો આ દેશ, એક સમયે ગરીબી અને અસ્વચ્છતા માટે ઓળખાતો. પરંતુ એક યુવાન નેતૃત્વની પ્રેરણા, દૃઢ સંકલ્પ અને તેમાંથી જાગેલ રાષ્ટ્રીય ચેતનાએ સમગ્ર દેશની ઓળખ બદલી નાંખી. તેની રાજધાની ‘કિગાલી’ આજે વિશ્વના સૌથી સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેરોમાં સ્થાન ધરાવે છે. આ પરિવર્તન પાછળ એક યુવા નેતાની પ્રેરણા, પ્રજાની નિષ્ઠા, શિસ્ત અને સહભાગિતા હતી. ત્યાંના નાગરિકોને અઠવાડિયાના માત્ર બે કલાક પોતાના ગામ, શહેર અને સમાજની સેવા માટે સમર્પિત કરવાના નિર્ણય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પરિણામે મૂળભૂત સુવિધાઓ, સામાજિક એકતા અને નાગરિક જવાબદારીના ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. યુવા નેતાની પ્રેરણાને કારણે પ્રજાએ દરેક બાબતમાં સરકારને દોષ આપવાને બદલે પોતાની જવાબદારી સ્વીકારી, સરકાર સાથે ખભેખભો મિલાવી કાર્ય કર્યું. પરિણામે રવાન્ડાએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને આજે તે આફ્રિકાના સૌથી સ્વચ્છ અને વ્યવસ્થિત દેશોમાં ગણાય છે. સ્વચ્છતાના આ અભિયાનથી માત્ર શહેરની છબી જ બદલાઈ નહીં, પરંતુ આરોગ્ય, પ્રવાસન, રોજગાર, વિદેશી રોકાણ અને આર્થિક વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. આવી જ એક પ્રેરણાદાયક ગાથા સિંગાપોરની છે. 1960ના દાયકામાં ભ્રષ્ટાચાર, ગરીબી અને અવ્યવસ્થાથી પીડાતું સિંગાપોર એક યુવા નેતાની નિષ્ઠાને કારણે આજે વિશ્વના સૌથી વિકસિત અને સુવ્યવસ્થિત દેશોમાં સ્થાન પામ્યું છે. ‘માનવ વિકાસ સૂચકાંક’માં તેનું સ્થાન વિશ્વના અગ્રણી દેશોમાં છે. આ સફળતા પાછળનું રહસ્ય માત્ર સારા શાસન પુરતું નહોતું; પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજી, યોગ્ય નેતૃત્વને ઓળખ્યું અને તેને નિષ્ઠાપૂર્વક સહકાર આપ્યો. આજે ભારતને આઝાદી મળ્યાના દાયકાઓ વીતી ગયા હોવા છતાં, દેશની અસ્વચ્છ છબી માટે શું માત્ર સરકાર જ જવાબદાર છે? શું પ્રજાની કોઈ જવાબદારી નથી? જ્યાં સુધી પ્રજામાં માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, ગૌરવ, જાગૃતિ અને જવાબદારીની ભાવના જાગૃત નહીં થાય, ત્યાં સુધી શ્રેષ્ઠ ઇરાદા ધરાવતી કોઈપણ સરકાર કે નેતા મર્યાદિત જ પરિણામ આપી શકે. આજે પ્રશ્ન એ નથી કે સરકારે દેશ માટે શું કર્યું ? પ્રશ્ન એ છે કે “મેં મારા દેશ, મારા શહેર અને મારા ગામ માટે શું કર્યું?” પ્રાંતવાદ નહીં, રાષ્ટ્રવાદ. કારણ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે જ સમાજ અને વ્યક્તિનું કલ્યાણ શક્ય બને છે. જો આપણે આ પ્રકારની નિષ્ઠા અને જવાબદારી કેળવીએ, તો વિશ્વમાં કોઈપણ વ્યક્તિ આપણા દેશ કે પ્રજાને અપમાનજનક વિશેષણોથી સંબોધિત કરતાં પહેલાં વિચારવા મજબુર થશે. જરૂર છે માત્ર આત્મગૌરવ, નિષ્ઠા અને જાગૃતિની. આપણા ઘરે કોઈ મહેમાન આવે અને ઘર ગંદું હોવાની ખરાબ છાપ લઈને જાય, તો શું આપણને ગમશે? જો નહીં, તો પછી આપણા દેશ, શહેર કે ગામ વિશે આપણે આ જ ભાવના કેમ નથી રાખતા? વિદેશમાં જઈ વસવાટ કરતા ભારતીયો, ત્યાંના કાયદાઓ અને સ્વચ્છતાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરે છે, તો પોતાની માતૃભૂમિમાં જ આ બાબતો પ્રત્યે આપણાં લોકોમાં ઉદાસીનતા શા માટે? વિશ્વમાં કદાચ ભારત જ એવો દેશ છે જેને “દેવભૂમિ” કહેવામાં આવે છે, જેને “ભારત માતા” તરીકે સંબોધવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ જ માતૃભૂમિ પર માણસ પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકે, કચરો ફેંકે કે ગંદકી ફેલાવતા જરા પણ ખચકાતો નથી કે વિચારતો નથી કે જેને હું માતા કહું છું, તેના પર જ હું વારંવાર ગંદકી કરું છું? જો આપણે ખરેખર ભારતને વિકસિત દેશોની હરોળમાં જોવાનું સ્વપ્ન જોતા હોઈએ, તો આપણે સૌએ પોતાના ઇષ્ટદેવને સાક્ષી રાખીને એક સંકલ્પ કરવો જોઈએ કે— “હું ક્યાંય પણ ગંદકી નહીં કરું, અને જ્યાં ગંદકી થતી જોઈશ ત્યાં તેને અટકાવવા માટે મારી શક્તિ મુજબનો દરેક પ્રયાસ કરીશ.” જાહેરમાં દરેક બાબતમાં શિસ્તનું પાલન કરીશ. ત્યારે જ આપણે આગામી પેઢીને સ્વચ્છ, સુઘડ અને ગૌરવશાળી રાષ્ટ્રની અમૂલ્ય ભેટ આપી શકીએ. શું જ્યાં ગંદકી હોય, અથવા જ્યાં ગંદકીને આપણે નજરઅંદાજ કરતાં હોઈએ, ત્યાં ઇશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે? મારા મતે તેનો જવાબ સ્પષ્ટ છે — “ના.” દરેક ભારતીયે આ પ્રશ્ન પર નિષ્ઠાપૂર્વક વિચારવું જોઈએ. જ્યારે દરેક વ્યક્તિ એવો સંકલ્પ કરશે કે “મારા કારણે સમાજને કોઈ તકલીફ ન પડે,” ત્યારે જ સાચા અર્થમાં સંસ્કારી, જવાબદાર અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ શક્ય બનશે. સ્વચ્છતા માત્ર શરીર કે આસપાસના વાતાવરણ પૂરતી મર્યાદિત નથી. વિચારોની શુદ્ધતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વ્યવહારમાં પ્રામાણિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ આવશ્યક છે. નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય, ભલે તે ગમે તેટલું નાનું કેમ ના હોય, ઇશ્વરને સર્વાધિક પ્રિય છે. એક સફાઈ કર્મચારી પોતાની ફરજ ઈમાનદારીથી બજાવે, એક શિક્ષક સચ્ચાઈપૂર્વક જ્ઞાન આપે, એક ડૉક્ટર કરુણાભાવથી દર્દીની સેવા કરે, એક સામાન્ય નાગરિક નિયમોનું પાલન કરે—આ બધું જ ભક્તિના જીવંત સ્વરૂપો છે. અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અમર સૂત્ર યાદ આવે છે— “યોગઃ કર્મસુ કૌશલમ્” અર્થાત્, કર્મમાં શ્રેષ્ઠતા જ યોગ છે. આ સમગ્ર લેખનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. દેશની સમસ્યાઓ માટે આપણે ઘણી વખત સરકારને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ દેશની છબી ઘડવામાં સામાન્ય નાગરિકની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. જો દરેક વ્યક્તિ પોતાના વિસ્તારની સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ બને, તો શહેરો અને ગામડાંઓનો કાયાકલ્પ નિ:શંક છે. ઇશ્વર માત્ર મંદિરોમાં જ નથી; પરમાત્મા સર્વત્ર છે. માટે સ્વચ્છતા સર્વત્ર જરુરી છે. આપણે નવી પેઢીને માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત, સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો વારસો પણ આપીએ. કારણ કે સ્વચ્છ અને સંસ્કારી સમાજ જ સમૃદ્ધ અને સુખી રાષ્ટ્રનો પાયો બની શકે. અંતમાં એટલું જ કે જો આપણે ખરેખર ઇશ્વરની કૃપાને પાત્ર બનવા માંગતા હોઈએ, તો માત્ર બાહ્ય દેખાવને બદલે પોતાના વર્તન, સ્વયં શિસ્ત, સ્વચ્છતા અને નિષ્ઠા ઉપર ધ્યાન આપવું પડશે. કારણ કે — “શિસ્ત, સ્વચ્છતા

Health, Cover Story

હળદર : ભારતીય રસોડાનું સુવર્ણ ઔષધ – Turmeric – Extra Ordinary Ingredient for Health

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) – Produce 20th May, 2026 આયુર્વેદ, ચરક સંહિતા અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરામાં વર્ણવાયેલ આરોગ્યદાયક અમૃત ભારતીય સંસ્કૃતિમાં ખોરાકને માત્ર પેટ ભરવાનું સાધન માનવામાં આવ્યું નથી, પરંતુ “આહાર એ જ ઔષધ” એવી દિવ્ય દૃષ્ટિ સાથે જોવામાં આવ્યો છે. આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષોની તપશ્ચર્યા, પ્રકૃતિના અધ્યયન અને માનવ શરીરના ઊંડા નિરીક્ષણ બાદ જે જીવનપદ્ધતિ રચી, તેમાં ખોરાકને શરીર, મન અને આત્માના સંતુલનનું મુખ્ય સાધન માનવામાં આવ્યું. પરમાત્માની માનવજાત ઉપર એટલી અનંત કૃપા છે કે જો તેની ગણતરી કરવા જઈએ તો જીવનનું દરેક તત્વ ઇશ્વરકૃપા સમાન જણાય. વિશ્વના વિવિધ પ્રદેશોમાં ત્યાંના હવામાન, પ્રકૃતિ અને જીવનશૈલી પ્રમાણે જુદી જુદી ખોરાક પ્રણાલીઓ વિકસિત થઈ. પરંતુ જો આપણે માત્ર ભારતની જ વાત કરીએ, તો સ્વીકારવું પડે કે આપણી પરંપરાગત થાળી માત્ર ભોજન નથી — તે ઋષિઓએ માનવ આરોગ્યને ધ્યાનમાં રાખીને રચેલું જીવંત ઔષધશાસ્ત્ર છે. આજે આધુનિક જીવનશૈલીમાં આપણે તે જ્ઞાનથી દૂર જતા રહ્યા છીએ. પરિણામે, જે રોગો કદાચ પહેલાં દુર્લભ હતા, તે હવે સામાન્ય બનવા લાગ્યા છે. દુઃખની વાત એ છે કે દવાનો ભંડાર આપણા રસોડામાં હોવા છતાં આપણે તેની શોધ બહાર કરીએ છીએ. આવા જ દિવ્ય અને આશીર્વાદરૂપ ખાદ્ય પદાર્થોમાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે — હળદર. હળદર : ભારતીય રસોડાનું ઔષધીય રત્ન ભારતીય રસોડામાં હળદર માત્ર રંગ અને સ્વાદ માટે ઉમેરાતી વસ્તુ નથી. આયુર્વેદમાં તેને “હરિદ્રા” તરીકે ઓળખવામાં આવે છે અને તેને શક્તિશાળી ઔષધિ માનવામાં આવી છે. પ્રાચીન ગ્રંથો જેમ કે:- – ચરક સંહિતા – સુશ્રુત સંહિતા – ધન્વંતરી નિઘંટુ – ભાવપ્રકાશ નિઘંટુ માં હળદરના ગુણોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આયુર્વેદ અનુસાર હળદર :- – કફ અને વાયુનો નાશ કરે છે – રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ છે – ચામડીના રોગોમાં લાભદાયક છે – સોજા અને દુખાવામાં રાહત આપે છે – ઘા ભરવામાં સહાયક છે – શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે ચરક સંહિતામાં હળદરને “વર્ણ્ય” એટલે કે કાંતિ વધારનાર અને “કુષ્ઠઘ્ન” એટલે કે ચામડીના રોગોને દૂર કરનાર ઔષધિ તરીકે ગણાવવામાં આવી છે. હળદર અને કરક્યુમિન : આરોગ્યનું વૈજ્ઞાનિક રહસ્ય હળદરનું મુખ્ય સક્રિય તત્વ છે — કરક્યુમિન (Curcumin). આ તત્વ જ હળદરને તેનું ઔષધીય મહત્ત્વ આપે છે. જ્યારે હું વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ ‘અરહમ ઓર્ગેનિક સ્ટોર’ ના શ્રી ધીરેનભાઈને મળ્યો ત્યારે મને પ્રથમ વખત સમજાયું કે હળદરની પણ અનેક જાતો હોય છે અને દરેક પ્રદેશની હળદરના ગુણધર્મો અલગ હોઈ શકે. ધીરેનભાઈ આયુર્વેદ અને ઓર્ગેનિક ક્ષેત્ર સાથે ઊંડો સંબંધ ધરાવતા સંશોધનપ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિ છે. વંશપરંપરાગત આયુર્વેદિક જ્ઞાન સાથે જોડાયેલા નિષ્ણાતો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ જ તેઓ કોઈ બાબતને સ્વીકારી અમલમાં મૂકે છે. તેમની સૌથી સારી બાબત એ લાગી કે —તેમનો શુદ્ધતા અને ઓરિજિનાલિટી પ્રત્યેનો આગ્રહ. તેમના જણાવ્યા પ્રમાણે સામાન્ય હળદરમાં આશરે ૨% થી ૪% સુધી કરક્યુમિન હોય છે, જ્યારે કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ઉત્પન્ન થતી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭% થી ૧૦% સુધી કરક્યુમિન જોવા મળે છે, જે અત્યંત ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ગણાય. તેમના શબ્દોમાં સમજીએ તો આરોગ્ય માટે સૌથી અગત્યની બાબત છે — શુદ્ધતા. જે પ્રદેશ કોઈ વિશિષ્ટ પાક માટે જાણીતો હોય, ત્યાંની શુદ્ધ અને ઓર્ગેનિક પેદાશોનો ઉપયોગ કરવામાં આવે તો તેના સકારાત્મક આરોગ્યલાભ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હળદરના અદભુત ઔષધીય ગુણો ૧. કુદરતી એન્ટીસેપ્ટિક હળદરને પ્રાચીન સમયથી જ કુદરતી એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગમાં લેવાઈ છે. જે શરીરની અંદર ના કે બહાર ના ઘા ઉપર ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. નાના ઘા, કપાઈ જવું, ચામડીના ચેપ અથવા ઇન્ફેક્શન જેવી પરિસ્થિતિમાં હળદર લાભદાયક માનવામાં આવે છે. ભારતમાં હજુ પણ ઘણા ગામડાઓમાં ઘા ઉપર હળદર લગાવવાની પરંપરા જીવંત છે. ૨. શક્તિશાળી એન્ટી-ઇન્ફ્લેમેટરી શરીરમાં અનેક રોગોના મૂળમાં સોજો રહેલો હોય છે. હળદરની એન્ટી-ઇન્ફ્લેમેટરી ક્ષમતા સાંધાના દુખાવા, આર્થરાઇટિસ, માસપેશીઓના સોજા જેવી પરિસ્થિતિમાં ઉપયોગી માનવામાં આવે છે. આધુનિક સંશોધનો પણ કરક્યુમિનને કુદરતી સોજો ઘટાડનાર તત્વ તરીકે સ્વીકારવા લાગ્યા છે. ૩. રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ આયુર્વેદ અનુસાર હળદર “રક્તશોધક” છે. તે શરીરમાં રહેલા કેટલાક ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને રક્ત શુદ્ધ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. ચામડી ઉપર કાંતિ અને સ્વચ્છતા જાળવવામાં પણ તેનો ફાળો માનવામાં આવે છે. ૪. યકૃત (લિવર) માટે લાભદાયક હળદર લિવરની કાર્યક્ષમતાને સહાય કરે છે એવી માન્યતા આયુર્વેદમાં પ્રાચીન સમયથી છે. તે પાચનક્રિયા સુધારવામાં અને શરીરમાંથી અનિચ્છનીય તત્વોને દૂર કરવામાં સહાયક બની શકે છે. ૫. વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી કરવામાં સહાયક:- શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજો વૃદ્ધત્વને ઝડપથી આગળ ધપાવે છે. હળદરના એન્ટીઓક્સિડન્ટ ગુણો કોષોને સુરક્ષા આપીને શરીરને લાંબા સમય સુધી સ્ફૂર્તિમય રાખવામાં મદદરૂપ બની શકે છે. આ કારણસર હળદરને “પ્રાકૃતિક એન્ટી-એજિંગ તત્વ” તરીકે પણ જોવામાં આવે છે. ૬. રોગપ્રતિકારક શક્તિમાં વધારો દૂધમાં હળદર ઉમેરી પીવાની ભારતીય પરંપરા માત્ર ઘરગથ્થુ ઉપચાર નથી. હળદરવાળું દૂધ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. સર્દી, ઉધરસ, થાક અને ઋતુપરિવર્તન દરમિયાન તેનો ઉપયોગ અનેક ઘરોમાં આજેય થાય છે. હળદર ગરમ તાસીર ધરાવે છે — પરંતુ કુદરતે તેનો પણ ઉપાય આપ્યો છે હળદર તાસીરથી ગરમ માનવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર તેનો ઉપયોગ સમજદારીથી અને  વિશેષજ્ઞની દેખરેખ હેથળ કરવો જોઈએ. ધીરેનભાઈના જણાવ્યા પ્રમાણે કુદરતે દરેક તત્વ સાથે તેનું સંતુલન પણ આપ્યું છે. યોગ્ય પ્રમાણ, યોગ્ય સંયોજન અને યોગ્ય પ્રકૃતિ અનુસાર જો હળદરનો ઉપયોગ થાય, તો તે ખરેખર ઇશ્વરના આશીર્વાદ સમાન બની શકે છે. આયુર્વેદ પણ કહે છે કે દરેક મનુષ્યની પ્રકૃતિ અલગ હોય છે — કોઈને એક વસ્તુ અત્યંત લાભદાયક હોય તો બીજી વ્યક્તિ માટે તેની માત્રા અથવા રીત બદલવાની જરૂર પડી શકે. તેથી પોતાના શરીરને સમજવું અને અનુકૂળ આહાર અપનાવવો અત્યંત જરૂરી છે. ભારતીય રસોડું : ભૂલાયેલ ઔષધાલય:- આજે જ્યારે વિશ્વ કુદરતી ઉપચાર તરફ પાછું વળી રહ્યું છે, ત્યારે અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો પણ હળદરના ગુણોને વૈજ્ઞાનિક રીતે સ્વીકારી રહ્યા છે. કરક્યુમિન આધારિત અનેક પ્રોડક્ટ્સ, સપ્લિમેન્ટ્સ અને હેલ્થ ફોર્મ્યુલેશન્સ હવે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે જે ખજાનો દુનિયા આજે શોધી રહી છે, તે તો ભારતના રસોડામાં હજારો વર્ષોથી હાજર હતો અને છે, પણ આપણે તે સમજવા માં ઉણા ઉતર્યા. હળદર માત્ર મસાલો નથી. તે ભારતીય સંસ્કૃતિનું આરોગ્યવિજ્ઞાન છે. તે પ્રકૃતિ અને આયુર્વેદનું સંગમ છે. અને કદાચ તે માનવજાતને મળેલા પરમાત્માના અમૂલ્ય આશીર્વાદોમાંનું એક છે. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Health, Achievers, Bio Graphy, Cover Story

વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 10th May, 2026 ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં વસતા એવા અણમોલ માનવો માટે વપરાતું સચોટ વર્ણન છે, જેઓ પોતાના કાર્ય, વિચાર અને માનવતાથી સમાજમાં આશાનો દીવો પ્રગટાવતા રહે છે. આજના સમયમાં, જ્યાં મોટાભાગના લોકો જીવનને માત્ર સ્વહિત અને આર્થિક લાભના દૃષ્ટિકોણથી જોતા થયા છે, ત્યાં પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાના હૃદયની વિશાળતા, સેવા ભાવના અને સંવેદનશીલતાથી માનવતાને જીવંત રાખે છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે વડોદરા સ્થિત “અરહમ ઓર્ગેનિક સ્ટોર”ના સ્થાપક શ્રી ધિરેનભાઈ મહેતા. શ્રી ધિરેનભાઈ મહેતા મૂળ કચ્છ-ભુજના વતની છે. જીવનના સંઘર્ષોને પાર કરીને તેઓ વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા અને પોતાની મહેનત, અનુભવ તથા સંશોધનાત્મક દૃષ્ટિથી સફળતાનો માર્ગ બનાવ્યો. તેઓ માત્ર વ્યવસાયી નથી, પરંતુ જીવનને ઊંડાણપૂર્વક સમજતા, માનવ સ્વભાવનું અધ્યયન કરનાર અને સમાજની જરૂરિયાતોને અનુભવનાર વ્યક્તિત્વ છે. તેમનો વ્યવસાયિક અને વૈજ્ઞાનિક અનુભવ અત્યંત વૈવિધ્યસભર રહ્યો છે. તેઓ એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા આરોગ્યલક્ષી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. પરંતુ તેમની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ છે કે તેઓ કોઈપણ વ્યક્તિની ખામીઓ કરતાં તેની સકારાત્મકતાઓને વધુ મહત્વ આપે છે. કોઈની ટીકા કરવાની જગ્યાએ તે વ્યક્તિ માં રહેલી સારી બાબતોને ગ્રહણ કરવાની તેમની આદત, તેમના વ્યક્તિત્વને વધુ ઉન્નત બનાવે છે. તેમની પાસે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને જાય અને તેઓ તેને મદદ કરવાનો પ્રયત્ન ન કરે, એવું ભાગ્યે જ બને. તેમના માટે માણસ પહેલા અને વ્યવસાય પછી આવે છે. તેમની અંદર રહેલી આ માનવતાની ભાવના જ તેમને સામાન્ય વ્યવસાયીઓથી અલગ બનાવે છે. કોરોના મહામારીના અતિ કઠિન સમયમાં, જ્યારે સમગ્ર માનવજાત ભય અને અનિશ્ચિતતામાં જીવતી હતી, ત્યારે શ્રી ધિરેનભાઈએ સેવા અને કરુણાનો માર્ગ પસંદ કર્યો. ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ માટે યોગ્ય ખાદ્ય પદાર્થો અને કુદરતી ઔષધીય સામગ્રી પહોંચાડવાની જરૂરિયાત અનુભવી. આ સેવા કાર્ય દરમિયાન તેમને એક મહત્વપૂર્ણ સત્ય સમજાયું — કે રસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતા ખાદ્ય પદાર્થોની તુલનામાં સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ, મસાલા અને ખોરાક શરીરને વધુ આરોગ્યપ્રદ અને સુરક્ષિત બનાવે છે. આ વિચાર માત્ર વિચાર બની રહ્યો નહીં; પણ તેમણે તેને જીવનમાં ઉતારવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ શરૂ થયો એક ઊંડો સંશોધનપ્રવાસ. કયા પ્રદેશમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ ગુણવત્તાની મળે છે? કઈ જમીન અને વાતાવરણમાં ઉત્પાદિત સામગ્રી સૌથી વધુ પ્રાકૃતિક ગુણધર્મો ધરાવે છે? આવા અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં તેમણે પોતાને સમર્પિત કર્યા. તેમનું માનવું છે કે કોઈપણ ખાદ્ય સામગ્રી તેની મૂળ ભૂમિમાંથી મેળવવામાં આવે તો તેની ગુણવત્તા અને ઔષધીય તત્ત્વો વધુ સારી રીતે જળવાઈ રહે છે. કોરોના કાળ દરમિયાન તેમણે આ ક્ષેત્રે ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું અને પછી વિચાર કર્યો કે આ જ્ઞાન માત્ર પોતાની પાસે જ શા માટે રાખવું? સમાજના આરોગ્ય માટે તેનો વ્યાપક ઉપયોગ કેમ ન કરવો? આ વિચારમાંથી જ જન્મ થયો વડોદરા, અકોટા ખાતે સયાજી હોલની બાજુમાં આવેલ “અરહમ ઓર્ગેનિક સ્ટોર”નો. આજે આ સ્ટોર માત્ર એક દુકાન નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જતું એક વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ગયું છે. અહીં દેશના વિવિધ પ્રદેશોમાંથી લાવવામાં આવેલી લગભગ હજારેકથી વધુ ઓરિજિનલ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ છે. શ્રી ધિરેનભાઈ આરોગ્ય અને આયુર્વેદ વિષયક અનેક રસપ્રદ તથ્યો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તેઓ જણાવે છે કે સામાન્ય હળદરમાં ૨ થી ૪ ટકા સુધી કર્ક્યુમિન હોય છે, જ્યારે વિશેષ પ્રદેશોમાંથી મેળવવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭ થી ૧૦ ટકા સુધી કર્ક્યુમિન મળી શકે છે. આ તત્ત્વ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વિવિધ રોગોમાં નોંધપાત્ર સ્તરે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓ કહે છે કે જ્યારે ઉત્તમ ગુણવત્તાની હળદરને દેશી ગાયના શુદ્ધ ઘી સાથે યોગ્ય રીતે ઇન્ફ્યુઝ કરવામાં આવે, ત્યારે તેના વધુ સારા પરિણામો જોવા મળે છે. જોકે તેઓ આ બાબતમાં ગેરસમજ  ફેલાવતા નથી. તેઓ સ્પષ્ટપણે માનતા હોવાને કારણે ઈમાનદારીપુર્વક કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, માટે ઔષધિની અસર પણ દરેક વ્યક્તિ એ અલગ અલગ હોઇ શકે, આરોગ્ય અને ઔષધિની અસરમાં શરીરની આંતરિક સ્થિતિ કે પ્રક્રતિ પણ એટલી જ અગત્યની છે. છતાં, આપણા ઋષિ-મુનિઓએ આપેલું આયુર્વેદિક જ્ઞાન અત્યંત મૂલ્યવાન છે અને તેને અવગણવું યોગ્ય નથી. તેમનું માનવું છે કે જો સમાજ રસાયણમુક્ત ખોરાક તરફ વળે, તો લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે, બાળકોમાં સારો શારીરિક વિકાસ થાય અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર પડે. ખરેખર, “જેટલો શુદ્ધ ખોરાક, એટલું વધુ તંદુરસ્ત શરીર” — આ વિચારને તેમણે માત્ર શબ્દોમાં જ નહીં, પરંતુ પોતાના કાર્ય દ્વારા પણ જીવંત બનાવ્યો છે. તેઓએ વિવિધ ગંભીર રોગોમાં ઓર્ગેનિક પદાર્થોના ઉપયોગથી સકારાત્મક પરિણામો મેળવવાના પ્રયાસો કર્યા છે અને મેળવ્યા છે, આ ક્ષેત્રે તેમનું સંશોધન આજે પણ સતત ચાલુ છે. દેશના વિવિધ પ્રદેશોમાંથી મૂળ અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ શોધી, તેને લોકો સુધી પહોંચાડવાની તેમની ભાવના માત્ર વ્યવસાયિક નથી, પરંતુ એક પ્રકારની સામાજિક સેવા છે. તેઓ લોકોના આરોગ્ય માટે કાર્ય કરી રહ્યા છે અને કદાચ આ જ કારણ છે કે તેઓ માત્ર નફો નહીં, પરંતુ લોકોના આશીર્વાદ પણ કમાઈ રહ્યા છે. આજે જ્યારે આરોગ્ય સંદર્ભ સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સમાજે માત્ર દવાઓ પાછળ ખર્ચ વધારવાને બદલે ખોરાકની શુદ્ધતા અને જીવનશૈલીની ગુણવત્તા અંગે વધુ જાગૃત થવાની જરૂર છે. શ્રી ધિરેનભાઈ મહેતા જેવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા માત્ર સંપત્તિમાં નથી, પરંતુ સમાજને આપેલી સકારાત્મક દિશામાં છે. અંતે એટલું જ કહી શકાય કે, જો સમાજ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત જીવન તરફ આગળ વધવા ઇચ્છે, તો આવા પ્રયાસોને સમજવા, અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કારણ કે સારા આરોગ્યથી મોટું કોઈ ધન નથી. જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40. #UtpalMehtaProducer

Tours & Travels, Cover Story

લાહોલ સ્પિતી ટુર

“લોરિસ ટુર ઓર્ગેનાઇઝર” એટલે 30 વર્ષ ઉપરાંતનો સફળ અનુભવ ધરાવતું ગુજરાતનું એક પ્રમાણભુત નામ. તેનાં પ્રમોટર એટલે મનિષ વૈધ. આ મનિષભાઇ વૈધ સાથે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતી ટુરમાં જોડાવાનું થયું. તારીખ 4થી જુન, થી તારીખ 14મી જુન એમ 10 દિવસનો પ્રવાસ નક્કી થયો. સૌએ પોત પોતાની અનુકુળતા પ્રમાણે તા.4થી જુને સવારે 8.30 વાગ્યે ચંદિગઢ રેલ્વે સ્ટેશન ઉપર નક્કી કરેલ સ્થળે એકઠા થવું એવો રિપોર્રિંગ સમય નકકી થયો અને જોતજોતામાં એ દિવસ આવી પહોંચ્યો. સૌ લાહોલ સ્પિતીના વૈવિધ્ય વિષે થોડા ગણા પરિચિત હોઇ દરેકમાં તે સ્થળ માટેનો અનેરો આનંદ, ઉત્સાહ અને થ્રીલ અનુભવાઇ રહયાં હતા. લાહોલ સ્પિતી એ પાછલાં થોડા વર્ષોમાં જ પ્રસિધ્ધિ થયેલ અને વિકાસ પામી રહેલ સ્થળ છે, જે હજી પ્રવાસનના લિસ્ટમાં પાછલાં 4 – 5 વર્ષથી તાજું જ ઉમેરાયેલ હોઇ બહુ ધસારો નહીં હોવાને કારણે સવલતો પણ મર્યાદિત છે. તે માત્ર અદ્ભુત જ નહીં પણ જેને શબ્દાતીત કહી શકાય તેવું છે. આ સ્થળ હાઇ એલ્ટીટયુડ પર આવેલ હોઇ પાતળી હવા ધરાવતા આ સ્થળ સુધી પહોંચતા પ્રવાસીઓનું શરીર ટેવાતું જાય માટે મનિષભાઇએ મનાલી થી સ્પિતીને બદલે વાયા સિમલા ટુ સ્પિતી માર્ગ પસંદ કરેલ જે ધીરે ધીરે ઉંચાઇ પકડતો હોઇ યાત્રીના શરીરને પરિસ્થિતી સાથે તાલમેલ સાંધતા જવાનો કુદરતી સમય મળી રહે જે સૌએ અનુભવ્યું. ટુરનું આયોજન મર્યાદિત યાત્રીઓની સંખ્યામાં કરાયું હતું જેથી ટુર અને સર્વે યાત્રીઓને પુરતો ન્યાય આપી શકાય, જે સરવાળે અમને યોગ્ય લાગ્યું. ટુરમાં કુલ 13 યાત્રી અમદાવાદથી જેમાંથી એક યાત્રી ઓસ્ટ્રેલિયાથી આવી જોડાયા હતા અને 11 યાત્રી વડોદરાથી સામેલ હતાં. ટુરનાં એક વિક પહેલા મનિષભાઇએ અમદાવાદ ખાતે એક ગૃપ મિટિંગનું આયોજન કર્યું હતું, જે બેઝિક માહિતી આપવા માટે હતું કે સાથે શું લેવું, તબિયત સંદર્ભે શું કાળજી રાખવી. દવા સહિત કઇ કઇ વસ્તુઓ બર્ફિલા પહાડોના પ્રવાસ સમયે સાથે હોવી અનિવાર્ય ગણાય વિગિેરે બાબતો સામેલ હતી. પાતળી હવામાં જતા પહેલા આગોતરી તૈયારીરૂપે શારિરીક ક્ષમતા વધારવા શું તૈયારી કરવી જોઇએ એ તેઓએ 1 માસ અગાઉ જ સૌને વાકેફ કરી દીધા હતાં. તે મિટિંગ બાદ તે તમામ માહિતીથી વડોદરાના ગૃપને પણ સમયસર માહિતગાર કરવામાં આવ્યું અને કોઇને કોઇ પ્રશ્ન હોય તો પુછી લેવા જણાવાયું. આમ, જોતજોતામાં તા.4થી જુન આવી પહોંચી. મનિષભાઇ આગોતરી તૈયારી અર્થે અને છેલ્લી ઘડીએ કોઇ હેરાન – પરેશાન ના થાય માટે તા.3જીની ટ્રેઇનથી તેઓ ચંદીગઢ પહોંચી ગયા. તા.4થીએ વડોદરા ગૃપ સવારે 5 વાગ્યે વડોદરાથી નિકળી નક્કી થયા પ્રમાણે 8.30 સાબરમતી કે જ્યાંથી ટ્રેઇન ઉપડવાની હતી ત્યાં આવી પહોંચ્યું. બીજી તરફ અમદાવાદના એક યાત્રીનો પ્રવાસ અનિવાર્ય કારણોસર કેન્સલ થતા 12 યાત્રી પણ આવી ગયા અને થોડી જ વારમાં ટ્રેઇન સ્ટાર્ટ થઇ. સૌમાં અનેરો ઉમંગ હતો, ટ્રેઇનમાં સિટીંગ વ્યવસ્થા બરોબર ગોઠવાઇ ગઈ એટલે અન્યોન્યની ઓળખાણ પિછાણનો દોર શરૂ થયો, જે ખુબ જ જરૂરી હતો. ત્યારબાદ, રસ્તામાં બહારના બને તેટલા ઓછા ખોરાક પાણી લેવા પડે એટલે સૌ પોતપોતાને ત્યાંથી કાંઇક ને કાંઇક નાસ્તો તૈયાર કરીને લાવ્યા હતા જે સમય થતા સૌએ એક બીજા સાથે શેયર કરી ચાલુ ટ્રેઇને તે રીતે ભોજનનો આનંદ માણ્યો, જે ખુબ જ આનંદદાયક અને મીઠી યાદરૂપ બની રહયો. સાંજ પડતાં કેટલાંકે મનિષભાઇએ ગાઇડ કર્યા પ્રમાણે જયપુર ઓર્ડર બુક કરાવી દીધેલ તે આવી પહોંચતા તેની જયાફત માણી. રાત્રે લગભગ એક – દોઢ વાગ્યા સુધી આનંદ પ્રમોદ અને વાર્તાલાપ બાદ સૌ નિંદ્રાદેવીને ખોળે પોઢયા. કયારે સવાર પડી ગઇ અને ચંદીગઢ 8 વાગ્યે આવી ગયું તે ખબર જ ના પડી. મનિષભાઇની સુચના પ્રમાણે સૌ એલાર્મ રાખીને સુતા હોવાથી અડધો કલાક પહેલાં ઉઠી તૈયાર થઇ ઉતરવા ગોઠવાઇ ગયાં. ટ્રેઇન સ્ટેશને લાગતા જ અમે મનિષભાઇને પ્લેટફોર્મ ઉપર સ્વાગતમાં ઉભેલા જોતાં સૌને રાહત લાગી. નક્કી તો થયું હતું કે સ્ટેશનથી સીધા જ ફોર્સ ટ્રાવેલર પકડી સફર શરૂ કરી દેવી, પણ મનિષભાઇએ પોતા તરફથી સૌને ચા પાણી અને ફ્રેસ થવા સમય મળી રહે માટે સ્ટેશન નજીકની એક હોટલમાં યાત્રીઓ પાસેથી એકસ્ટ્રા ચાર્જ લીધા વગર 1 કલાકની વ્યવસ્થા ગોઠવી આપી જે સૌને ખુબ જ સવલત સભર અને રાહત દાયક લાગી. આમ, ત્યાંથી સૌની ખરી સફર લગભગ 9.30 વાગ્યે શરૂ થઇ. ચંદીગઢથી 80 કિ.મી.સુધી સૌને વાહનમાં એ.સી.ની જરૂરત રહી પણ પછી હિમાલયનો અહેસાસ શરૂ થયો અને એ.સી. બંધ કર્યા. સિમલા ક્રોસ કર્યા બાદ ઝરમર વર્ષાએ સફરને આહલાદક બનાવવાનું કાર્ય કર્યું અને અમે સાંજે લગભગ 8 કલાકના ડ્રાઇવ બાદ 6.30 વાગ્યે હાઇવે ઉપર જ નારકંડા નજીક બુક થયેલ એક સુંદર હોટલમાં અમારી પ્રથમ રાત્રી રોકાણ માટે બંને વાહનો થોભાવ્યા. હોટલના માણસોએ સામાન વાહનોમાંથી ઉતારી સૌની સુચના પ્રમાણે તેઓને ફાળવવામાં આવેલ રૂમમાં ગોઠવી દીધો. ત્યાર બાદ 1 કલાકનો વિરામ હતો અને ફ્રેસ થઇ સૌએ ડિનર માટે મેઈન હોલમાં રાત્રે 8.30 એ મળવું તેવું નક્કી કરી સૌ પોત પોતાના રૂમમાં આરામ ફરમાવવા પહોંચ્યા. રૂમની વિન્ડોના પડદા ખોલતા જ કુદરતના ભરપુર સૌંદર્યને માણતા સૌ આરામ ભુલી ગયા. રાત્રે નક્કી થયા પ્રમાણે સૌ ડાઇનિંગ હોલમાં આવી પહોંચ્યા, વાસ્તવમાં આવા અંતરિયાળ અને પહાડી પ્રદેશમાં પણ સૌને પિરસાયેલ વેજ પંજાબી ડિનર ખરેખર સ્વાદિષ્ટ અને સ્વચ્છતા સભર હતું જે બદલ સૌએ મનિષભાઇને અભિનંદન પાઠવ્યા અને સૌએ વાર્તા ગોષ્ઠિ કરતાં કરતાં ડિનર માણ્યું. ત્યારબાદ, ગૃપમાં સૌને એકઠા કરી મનિષભાઇએ બીજા દિવસનો ટ્રેક અને સ્ટ્રેટેજી સૌને સમજાવી અને સૌ બહાર ગાર્ડનમાં વોક લઇ પોત પોતાના રૂમમાં આરામ અર્થે પહોંચ્યા. બીજા દિવસે સવારે હેવી બ્રેકફાસ્ટ લઇ અમારી સફર ફરી ચાલુ થઇ. સૌની સ્નો માણવાની અને બર્ફિલા પહાડ જોવાની જાણે કે અદ્મ્ય ઇચ્છા વર્તાઇ આવતી હતી, પણ તેને હજુ ઘણીવાર હતી. તેવું અમારા વાહનના ડ્રાઇવરે જણાવ્યું, જે હજી યંગ હતો પણ આવા પહાડી રસ્તાઓનો અનુભવી અને સ્વભાવનો વાસ્તવમાં સારો હતો….. આ સંપુર્ણ પ્રવાસ વર્ણનને માણવા વૈશ્વિક ગુજરાતીઓ માટે તૈયાર થયેલ યુ ટયુબ ચેનલ (YouTube Channel) “ટી.વી.વલ્ર્ડ ગુજરાત” “TV World Gujarat” – Channel ની લીંક કિલક કરો … https://www.youtube.com/@tvworldgujarat આ ચેનલ ઉપર આપ આ પ્રવાસને લાઇવ માણી શકશો અને તે પછી આ સંપુર્ણ પ્રવાસ આ મેગેઝીનમાં હપ્તારૂપે તો જરૂર આપ વાંચી જ શકશો. આપના પ્રતિભાવ મેગેઝીન અને ચેનલના કોમેંટ બોક્ષમાં જણાવશો તો આનંદ થશે.

ટોચ પર સ્ક્રોલ કરો