Te Dhara Gujarat Nee – જે રજ થકી કાયા ઘડાઇ, તે ધરા ગુજરાતની….
Te Dharaa Gujarat Nee – જે રજ થકી કાયા ઘડાઇ, તે ધરા ગુજરાતની….

Poem Written By – -રાજુ નાગર ‘સલિલ’
11th June, 2026

લેખક અને કવિ – શ્રી રાજુ નાગર ‘સલિલ’
જે રજ થકી કાયા ઘડાઇ, તે ધરા ગુજરાતની….
મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
સંતો-વીરોની ભૂમિ છે… ને,શિર કપાયાં તો’ય પણ,
ધડ જ્યાં લડ્યાં મોટી લડાઇ…..
તે ધરા ગુજરાતની…..
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
ખાંડી દે કટકો, કાળજાનો, શેઠ જેવો શેઠ જ્યાં,
એ સત્યની, થઇ’તી ખરાઇ….
તે ધરા ગુજરાતની…..
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
તાંદુલ ચપટી’ક લૈ, પછી, કીધો સુદામાને ધન્ય, એ,
નિર્દોષ મિત્રતા, સાચી વરતાઇ…..
તે ધરા ગુજરાતની…..
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
મેઘાણી – ગાંધી ને કલાપિ, છે લોખંડી સરદાર,
જેની કીર્તિ, મલકભરમાં છવાઇ…..
તે ધરા ગુજરાતની….
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
સોમનાથ, કાલીમાતા,આરાસૂરે મા અંબા છે,
દ્વારિકા જઇ, ધજા ફરકાઇ…..
તે ધરા ગુજરાતની…..
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
ગિરનારની કંદરાઓ, અને વને વન ખૂંદતા ફરે….
ડણક એ સાવજોની, જોજન દૂર સંભળાઇ……
તે ધરા ગુજરાતની…..
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
રાજકોટ – સૂરત – અમદાવાદ…. ને સંસ્કારનગરી વડોદરા,
સંસ્કૃતિ સૌની, વિશ્વમાં વખણાઇ….
તે ધરા ગુજરાતની….
…………………..મારી રગેરગમાં સમાઇ, તે ધરા ગુજરાતની….
-રાજુ નાગર ‘સલિલ’