Motivational

Motivational

Good deed always speaks, A Positive Story. સદભાવના અને વિશ્વાસની એક પ્રેરણાદાયી ઘટના

Written By : Utpal Mehta – Producer (ઉત્પલ મહેતા) 8th June, 2026 આજના સમયમાં વાહન માત્ર વૈભવનું પ્રતીક નથી રહ્યું, પરંતુ દૈનિક જીવન અને સામાજિક જવાબદારીઓ નિભાવવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ખાસ કરીને જ્યારે મર્યાદિત બજેટમાં સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાનો પ્રશ્ન હોય ત્યારે યોગ્ય વાહનની પસંદગી અને તે અર્થે એક વિશ્વાસપાત્ર વ્યક્તિની શોધ એક પડકારરૂપ કાર્ય બની જાય છે. તાજેતરમાં સામાજિક હેતુસર એક વાહનની જરૂરિયાત ઉભી થતાં વિવિધ સ્થળોએ શોધ કરવાનો અવસર મળ્યો. આ પ્રક્રિયા દરમિયાન ઘણાં લોકો સાથે મુલાકાત થઈ અને એ અનુભવ્યું કે પ્રારંભિક વાતચીત અને અંતિમ વ્યવહાર વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો. આવા સમયમાં યોગ્ય માર્ગદર્શન, નિખાલસ સ્વભાવ અને સહકારનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. આ જ શોધખોળ દરમિયાન ફુટ્બોલ મેદાન સામે, વુડા સર્કલ – નારાયણ ગાર્ડન રોડ,  ન્યુ અલકાપુરી, ગોત્રી રોડ વિસ્તાર ખાતે આવેલ ‘એપલ ઓટો ડીલ’ ના સંચાલક ‘હેમંતભાઈ શ્રીમાળી’ સાથે મુલાકાત થઈ. સમગ્ર પરિસ્થિતિ અને મર્યાદિત બજેટ વિશે તેમને સ્પસ્ટપણે જાણ કરવામાં આવી. તેમણે એક કાર બતાવી, ગુણવત્તાની દૃષ્ટિએ સારી હતી, પરંતુ બજેટની મર્યાદાને કારણે નિર્ણય સરળ નહોતો. એક બે મુલાકાત અને ચર્ચા બાદ તેમને એ સમજ્યું કે ખરીદી પાછળનો હેતુ નિષ્ઠાપૂર્વકનો છે અને વાહનનો ઉપયોગ એક સારા સામાજિક કાર્ય માટે થવાનો છે. પરિણામે તેમણે માનવીય અભિગમ દર્શાવી કિંમતમાં યોગ્ય બાંધછોડ કરીને સમસ્યાનું સકારાત્મક નિરાકરણ લાવવામાં સહકાર આપ્યો. આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો હેતુ કોઈ વ્યક્તિ કે સંસ્થાનો પ્રચાર કરવાનો નથી. આ માત્ર એ હકીકતને પ્રકાશિત કરવાનો પ્રયાસ છે કે આજના સમયમાં પણ એવા લોકો છે, જેઓ માત્ર વ્યાવસાયિક લાભને જ મહત્વ નથી આપતા, પરંતુ યોગ્યતા, વિશ્વાસ અને સારા કાર્યના ભાવને પણ સમજે છે. આવા સહયોગી અભિગમથી માત્ર એક વ્યવહાર પૂર્ણ નથી થતો, પરંતુ સમાજમાં સકારાત્મકતાનો સંદેશ પણ પ્રસરે છે. સારું કાર્ય અને સદભાવના ઘણી વખત કોઈ જાહેરાત વિના પણ પોતાની અસર છોડી જાય છે. એક વ્યક્તિનો નિષ્ઠાપૂર્વકનો સહકાર અનેક લોકોને પ્રેરણા આપી શકે. ભૌતિકવાદી યુગમાં પણ માનવતા, વિશ્વાસ અને સહભાગિતાની ભાવના જીવંત છે, એ દર્શાવતી આવી પોઝિટીવ ઘટનાઓ સમાજને વધુ સંવેદનશીલ અને સુંદર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અંતે એટલું જ કહી શકાય કે દરેક કાર્યનું મૂલ્યાંકન માત્ર આર્થિક દૃષ્ટિકોણથી ન થવું જોઈએ. ક્યારેક એક નાનકડું સત્કાર્ય, એક સકારાત્મક નિર્ણય અથવા એક નિષ્ઠાવાન સહકાર પણ સમાજમાં સદ્કાર્યોની નવી પ્રેરણા જગાવી શકે. આવા લોકો અને આવા પ્રસંગો જ આપણો વિશ્વાસ જીવંત રાખે છે કે સદભાવના આજે પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. બાકી બધું રુણાનુંબંધને આધારિત છે. #UtpalMehtaProducer

Health, Motivational

પુરુષ માટે રડવું કોઈ શરમજનક બાબત નથી, રડવું એ માનવ શરીર અને મનની કુદરતી, વૈજ્ઞાનિક અને ઈશ્વરદત્ત પ્રક્રિયા છે. To Cry for a Man is Not a Shameful Matter.

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) – Producer 18th May, 2026 ભારતીય સમાજના માનસમાં એક માન્યતા સદીઓથી ખુબજ ઉડે સુધી ઉતરી ગઈ છે કે — “પુરુષ કદી રડે નહી.” રડવું એટલે નબળાઈ, લાગણીશીલતા એટલે કમજોરી, અને આંખોમાં આંસુ આવી જાય તો જાણે પુરુષત્વ ઉપર પ્રશ્નચિહ્ન લાગી જાય — આવી માનસિકતા આજે પણ અનેક ઘરોમાં જીવંત છે. પરંતુ આધુનિક મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને હૃદયરોગવિજ્ઞાનના વૈશ્વિક સંશોધનો એકદમ વિપરીત દિશામાં ઇશારો કરે છે. રડવું કોઈ શરમજનક બાબત નથી, રડવું એ માનવ શરીર અને મનની કુદરતી, વૈજ્ઞાનિક અને ઈશ્વરદત્ત પ્રક્રિયા છે. ભાવનાત્મક બનવું કે તેને સાચવી રાખવી તે જ આપણી સાચી પ્રાકૃતિક ઓળખ છે. કદાચ કોઈ તમને મુર્ખ ગણે તો ભલે ઘણે, દરેક ને જીવનના કોઈ તબકકે સાચી ભાવનાત્મકતાની ખોટ સાલે છે, પણ ત્યારે ખુબ મોડું થઈ ચુકયું હોય છે. કદાચ કોઈ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિ માં તમને રડવું આવી જતું હોય અને તમે પુરુષ હો તો પણ તે તમારી નબળાઈ નથી, સમાજે એક એવી રોગિષ્ટ માનસિકતા ફેલાવી છે કે પુરુષ કદી રડે નહીં, સ્ત્રી માટે રડવું એ સમાજે સ્વિકારેલ વાસ્તવિકતા છે, પણ આ એક ગંભીર ભૂલ છે, તમારા સંતાનને કયારેય એવું ના શિખવાડશો કે પુરુષ માટે તે કાયરતા છે, કારણ સમાજ જેને કાયરતા માને છે તે એક અત્યંત કુદરતી બાબત છે અને ખુલ્લા દિલનું એક રુદન તે પુરુષને કેટલાય રોગમાંથી બચાવી શકે છે. લાગણીશીલ,  સંવેદનશીલ કે ભાવનાશીલ હોવું તે કુદરતે મનુષ્ય ને આપેલ એક અમુલ્ય બક્ષિસ છે જે કોઈ ના સમજી શકે તે તેમની સંકુચિત કે સિમીત માનસિકતા છે એ તમારો પ્રશ્ન કે નબળાઈ નથી, માટે સરળ બનવું એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના હિતમાં છે, શકય છે કે કદાચ એવી સરળતા કોઈ વ્યક્તિને આરોગ્યલક્ષી ભયંકર પરિસ્થિતિમાં થી ઉગારી ફરી પુનઃસ્થાપિત કરી શકે. જેમ વરસાદ પછી વાતાવરણ હળવું બને છે, તેમ હૃદયમાં વર્ષોથી દબાયેલી પીડા, તણાવ, ભય અને લાગણીઓ આંસુઓ દ્વારા બહાર આવે ત્યારે મન અને મગજ બંનેને રાહત મળે છે. મનુષ્ય જ્યારે દિલથી રડે છે ત્યારે માત્ર ભાવનાઓ જ વ્યક્ત નથી થતી, પરંતુ શરીરમાં જમા થયેલા તણાવના રસાયણો પણ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. વિશ્વભરના મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી લાગણીઓને દબાવી રાખનાર વ્યક્તિઓમાં ડિપ્રેશન, ઊંચું બ્લડ પ્રેશર, હૃદયરોગ, ચિંતાજનક માનસિક સ્થિતિ અને અનિદ્રા જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. ખાસ કરીને પુરુષો સમાજના દબાણને કારણે “હું મજબૂત છું” એવો દેખાવ કરતા હોય, પરંતુ અંદરથી એકલતા, ભય, નિરાશા અને માનસિક થાક અનુભવતા હોઇ શકે. રડવું એ મનની સફાઈ છે. જેમ આંખમાં પડેલો કણ આંસુ દ્વારા બહાર નીકળી જાય છે, તેમ મનમાં ધરબાયેલું દુઃખ પણ આંસુઓ સાથે ધીમે ધીમે ઓસરવા લાગે છે. અમેરિકન બાયોકેમિસ્ટ ડૉ. વિલિયમ ફ્રેના સંશોધનો અનુસાર ભાવનાત્મક આંસુઓમાં તણાવ વધારતા કેટલાક હોર્મોન્સ અને ઝેરી રસાયણોના અંશ જોવા મળે છે. એટલે ભાવુક બનીને રડી લેવાથી શરીર અને મગજ ઉપરનું દબાણ ઓછું થવામાં મદદ મળે છે. રડ્યા પછી ઘણા લોકોને “હળવાશ” અનુભવાય છે — આ માત્ર લાગણી નથી, પણ વૈજ્ઞાનિક રીતે પણ સાચી બાબત છે. આધુનિક ન્યુરોસાયન્સ એવું પણ કહે છે કે રડતી વખતે શરીરમાં ‘ઓક્સિટોસિન’ અને ‘એન્ડોર્ફિન’ જેવા “ફીલ-ગુડ” રસાયણો સક્રિય થાય છે, જે માનસિક શાંતિ, આંતરિક રાહત અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. એટલે ક્યારેક દિલ ખોલીને રડી લેવું એ દવા જેટલું અસરકારક બની શકે છે. સમાજમાં “પુરુષ રડે નહીં” જેવી માન્યતા કારણે અસંખ્ય પુરુષો પોતાના દુઃખને અંદર જ દફનાવી દે છે. પરંતુ દબાયેલું દુઃખ ક્યારેય નાશ પામતું નથી; તે ચિંતા, ગુસ્સો, નિરાશા અથવા શારીરિક બીમારીઓના રૂપમાં બહાર આવે છે. ઘણા માનસિક આરોગ્ય નિષ્ણાતો એવું માને છે કે પુરુષોમાં વધતા ડિપ્રેશન અને આત્મહત્યાના કેટલાક કારણોમાં લાગણીઓને દબાવી રાખવાની સામાજિક પ્રથા પણ જવાબદાર હોઇ શકે છે. અલબત એ સાચું છે કે પુરુષ માટે રડવું અઘરું હોય છે. વિશ્વપ્રસિદ્ધ નર્તકી અને અભિનેત્રી Isadora Duncan વિશે એક પ્રસંગ જાણિતો છે, એક પત્રકારે પૂછ્યું કે “તમને જીવનસાથી તરીકે કેવા પુરુષ ગમે?” ત્યારે તેમણે એવો અર્થસભર જવાબ આપ્યો હતો કે — “જે પુરુષ સરળતાથી રડી શકે, કારણ તે વધુ માનવીય, સંવેદનશીલ, મજબુત, સમર્થ અને માનસિકરીતે વાસ્તવમાં શક્તિશાળી  હોય એટલે જ તે સમાજની પરવા વગર રડી શકે, સામાજના દંભી આવરણ નીચે દબાયેલો કે – માન્યતાથી ડરતો પુરુષ ક્યારેય રડી શકે નહીં” આ કથનની ઐતિહાસિક પુષ્ટિ સર્વત્ર ઉપલબ્ધ નથી, છતાં તેની પાછળનો ભાવ અત્યંત ઊંડો છે — લાગણીઓ વ્યક્ત કરી શકનાર વ્યક્તિ અંદરથી વધુ જીવંત, સમર્થ, પ્રામાણિક અને સંવેદનશીલ હોય છે. અહીં એક મહત્વની બાબત સમજવાની છે કે રડવું એટલે નબળાઈ નહીં. પોતાની લાગણીઓને સ્વીકારી શકવું એ આંતરિક શક્તિનું લક્ષણ છે. જે પુરુષ પોતાના દુઃખને ઓળખી શકે, જરૂર પડે ત્યારે આંસુ વહાવી શકે, અને ફરીથી ઊભો રહી શકે — તે માનસિક રીતે વધુ સ્વસ્થ અને પરિપક્વ કહેવાય. ભારતીય સંસ્કૃતિએ કરુણા, ભાવુકતા અને હૃદયની નરમાઈને કદી નકારી નથી. ભગવાન શ્રીરામથી લઈને શ્રીકૃષ્ણ સુધી, મહાભારતના વીરોથી લઈને આધુનિક યુગના અનેક મહાન પુરુષો સુધી — તેઓ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી તેને માનવત્વનો ભાગ માનવામાં આવી છે. આજે સમયનો તકાજો છે કે આપણે બાળકોને ખાસ કરીને દીકરાઓને એવું ના શીખવીએ કે “છોકરાઓ કદી રડે નહીં.” તેના બદલે તેમને શીખવવું જોઈએ કે — “લાગણીઓ વ્યક્ત કરવી સ્વાભાવિક છે.” “દુઃખ થાય ત્યારે વાત કરવી અને રડી લેવું સ્વસ્થ માનસિક જીવનનો ભાગ છે.” કારણ કે અંતે આંસુઓ માનવતાની ભાષા છે. રડવાથી માણસ નાનો નથી બનતો; ઘણી વાર તે વધુ હળવો, વધુ સ્વસ્થ અને વધુ માનવીય બની જાય છે અ‍ત્રે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે જે પુરુષ રડી શકે તે વાસ્ત્વમાં અંદર થી વધુ મજબુત, સમર્થ હોય છે, કારણ લગુતાગ્રંથીથી પિડાતો પુરુષ રડી શકતો નથી, જે આંતરિક નબળાઇની નિશાની છે. એ સામર્થય કે સાચા પૌરુશ્ત્વની નિશાની નથી માટે જેમ દિલ થી હસવું અનિવાર્ય છે, તેટલું જ જરુર પડે ત્યારે દિલ થી રડી શકવું પણ અ‍નિવાર્ય છે. માટે સંકોચ અને ગેરમાન્યતાનો ત્યાગ જરુરી છે. #UtpalMehtaProducer

Photo Story, Motivational, Spiritual

મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા

મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે… કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની રહેલા સમયમાં, જ્યાં માણસ માણસની પીડા સમજવાનું કે અનુભવવાનું પણ જાણે કે ભુલી ગયો છે, ત્યાં કોઈ એક સંવેદનશીલ આત્મા જ્યારે મૂક પ્રાણીની વેદનાને પોતાની વેદના સમજી આગળ આવે, ત્યારે માનવતા હજુ જીવંત છે તેવો વિશ્વાસ ફરી જન્મે છે.  આવી જ એક હૃદયસ્પર્શી અને શબ્દાતીત ઘટના વડોદરાની ધરતી પર સર્જાઈ ગઈ. આ એક એવી તસ્વીર કથા છે, જે લાખો શબ્દો કરતાં પણ ઘણું કહી જાય છે,  હૃદયમાં ઉંડે ઉતરી જાય છે. ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા ખાતે રહેતી કોમ્પ્યુટર એન્જિનિયર કુમારી દેવર્ષી ગાંધી માટે તે માત્ર એક ગલુડિયું નહોતું… તે કોઇ એક પીડાતું રિબાતુ જીવન હતું.  રસ્તા પર ઢસડાઈને ચાલતું, પાછળના બંને પગ કચડાઈ જતા અસહ્ય પીડા સહન કરતું તે નિર્દોષ ગલુડિયું, કદાચ પોતાની વેદના વ્યક્ત પણ કરી શકતું નહોતું. પરંતુ વેદનાની ભાષા માત્ર શબ્દોમાં નથી હોતી… તે આંખોમાં, હલનચલનમાં અને નિઃશબ્દ ચીસોમાં વસતી હોય છે, અને હદયથી જીવનાર આત્મા તે સમજી શકે છે, તે આ ઘટના જોતા લાગે કે નિ:શંક છે. દેવર્ષીનું હૃદય આ દ્રશ્ય જોઈ હચમચી ઉઠ્યું. સતત એક જ વિચાર તેને અંદરથી કચડી રહ્યો હતો — “આ નિર્દોષ જીવને થોડી રાહત કેવી રીતે આપી શકાય?” આ વિચાર માત્ર ક્ષણિક દયા નહોતો, પરંતુ એક જીવંત સંવેદનાનો ઉદય હતો. અંતે, તેની કરુણાભીની લાગણીએ એક અનોખો માર્ગ શોધી કાઢ્યો. દેવર્ષીએ પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંત પર એક નાનકડી ચાલણગાડી તૈયાર કરી. અત્યંત કાળજીપૂર્વક પટ્ટાઓ વડે તે ગલુડિયાની કમર સાથે જોડવામાં આવી. જે ગલુડિયું સતત ઢસડાઈને ચાલતું હતું, તે હવે ફરી હલનચલન કરી શકતું બન્યું. તેને પીડામાંથી છુટકારો મળ્યો. કદાચ તેને માટે આ માત્ર ચાલણગાડી નહોતી… એ તો ફરી જીવવાના આશીર્વાદ હતા. પણ આ સમગ્ર દ્રશ્યમાં સૌથી વધારે હૃદય ચીરનાર ક્ષણ હતી — ગલુડિયાની માતાની આંખો… બાજુમાં અડીખમ ઉભેલી શ્વાન માતા, પોતાના સંતાનને મળેલી આ અનોખી રાહતને અચરજ, કરુણા, લાગણી અને અતી ઋણ સ્વીકારના ભાવ સાથે નિહાળી રહી હતી.  તેને જાણે કે કંઈક કહેવું હતું, પણ વાચા નહોતી, એટલે વગર શબ્દો એ પણ આંખોની ભાષા દ્વારા લાખો લાગણીઓ જાણે કે વ્યકત થઈ રહી હતી. માનવી ઘણીવાર લાગણીઓને શબ્દોથી વ્યક્ત કરવા છતાં, જે અભિવ્યક્ત નથી કરી શક્તો, તે પ્રાણીઓ માત્ર આંખો અને હાવભાવ દ્વારા વ્યકત કરી, સીધા આત્મા સુધી પહોંચાડી શકે છે. તેનો આ બોલતો પુરાવો છે. જો કોઈ વાંચક ખરેખર તે ભાષા સમજવા ઇચ્છે કે મૂક પ્રાણી પણ પ્રેમ, વેદના, ધિક્કાર, કરુણા અને આભાર સમજી શકે છે, કે કેવી રીતે વ્યક્ત કરી શકે છે, તો તે સમજવા આ શ્વાન માતાની આંખોમાં ઝાંખી કરી લેવી પૂરતી છે. ફોટો ઝૂમ કરીને જોતા જ તેની આંખોમાં છલકાતી લાચારી, આશ્ચર્ય અને નિઃશબ્દ કૃતજ્ઞતા હૃદયને અંદર સુધી હચમચાવી મૂકે તેવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે, જાણે કે તે માતા નિઃશબ્દ કહી રહી હોય — “માણસોમાં હજુ ઈશ્વર જીવંત છે…” દેવર્ષી ગાંધીનું આ કાર્ય સાચા અર્થમાં ઈશ્વર આરાધના સમાન છે. પૂજાથી પણ મહાન આ સેવા છે, જેમાં કોઈ નિઃસહાય જીવની પીડા ઓછી થાય છે. ત્યારે ઈશ્વરને ત્યાં તેની વાસ્તવમાં નોંધ લેવાય છે.  કારણ કે ઈશ્વર કદાચ શબ્દોમાં નહીં, પરંતુ આવી સંવેદનાસભર હદય અને કરુણાભીની ક્ષણોમાં વસે છે. સમાજ આજે ભલે સંવેદનશૂન્ય બનતો જાય, પરંતુ દેવર્ષી જેવા લોકો માનવતાની છેલ્લી દીવાદાંડી સમાન છે — જે હજુ પણ દુનિયાને પ્રકાશ આપે છે. શત શત પ્રણામ દેવર્શી ગાંધી જેવી સંવેદનશીલ આત્માઓને… નમન એ મૂક આંખોના સામર્થ્યને, જે શબ્દો વિના પણ હૃદય સુધી પહોંચી શકે છે… સેલ્યુટ એવા કલાધરને જે… આવી અદભૂત ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી શકયા છે, અને તે ક્ષણને અમર બનાવનાર એ ફોટોગ્રાફ્રર પણ એટલા જ અભિનંદનને પાત્ર છે, કારણ કે ઘણીવાર એક તસ્વીર, આખા સમાજને એ સંદેશ આપી જાય છે, જે હજારો ભાષણો પણ નથી આપી શકતા. આ માત્ર એક ફોટોગ્રાફ નથી… આ માનવતા અને સંવેદનાની જીવંત વ્યાખ્યા છે. આ તસ્વિર વાસ્તવમાં વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડને પાત્ર છે #UtpalMehtaProducer

Motivational, Achievers, Bio Graphy

Rasik Mehta – A Legendary Gujarati Author

રસિક મહેતા (લેખક – પત્રકાર) સુપ્રસિદ્બ સાહિત્યકાર શ્રી રસિક મહેતા એ મૂળ કચ્છ – ભુજના વતની, ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. સિધ્ધહસ્ત, લેખક, અભૂતપૂર્વ શૈલીના ધાતા. બાળપણથી વાંચનનો ખૂબ જ શોખ. જેમાંથી લેખક થવાની પ્રેરણાએ જન્મ લીધો. જેને કારણે માત્ર નસિબના સહારે, સાહિત્ય ક્ષેત્રે કારકિર્દીના સ્વપ્ન સાથે, કચ્છ – ભુજથી ભાગ્ય અજમાવવા, ઘરેથી આપવામાં આવેલ માત્ર રૂપિયા એકસોની મૂડી સાથે કલકત્તા અને એક વર્ષ બાદ ત્યાંથી મુંબઇ પહોંચ્યા. તે દરમ્યાન, પ્રકાશન ક્ષેત્રે કોઇ સારા પુસ્તકથી શરૂઆત કરવા વિચારી રહેલ સંસ્થા “નવભારત સાહિત્ય મંદિર”ના સ્થાપક શ્રી ધનજીભાઇ શાહ સાથે તેઓ એક કોમન મિત્ર શ્રી જે.પી.શાહ દ્વારા પરિચયમાં આવ્યા. જયાં પ્રાથમિક વાતચીત બાદ કેટલીક શરતોને આધીન સંસ્થાએ શ્રી રસિક મહેતાને નવલકથા લખવાની ઓફર આપી. રસિક મહેતા તે તબક્કે પાછલાં એક વર્ષથી મુંબઇ ખાતે પોતાને સાહિત્ય ક્ષેત્રે ટકાવી રાખવા ફિલ્મ અને જનરલ પત્રકારિત્વ ક્ષેત્રે સતત ઝઝૂમી રહયા હતા પરંતુ તેમનું મૂળ સ્વપ્ન લેખક તરીકેની કારકિર્દી બનાવવાનું હતું, તેઓને આ ઓફર આશીર્વાદ સમાન લાગી એટલે તે તક ઝડપી લીધી, અને તે રીતે તેઓની પ્રથમ નવલકથા “પ્રણય પ્રકાશ”નું સર્જન થયું, તે સાથે ગુજરાતી સાહિત્ત્યક્ષેત્રે નિઃશંક એક નવા યુગનો ઉદય થયો. તેઓશ્રી દ્વારા લગભગ 135 ઉપરાંત પુસ્તકોનું સર્જન થયું, જેમાં નવલકથાઓ, ઐતિહાસિક કથાઓ, ટૂંકી વાર્તાઓ, જીવન ઝરમર, પ્રેરણાત્મક સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, બાળ સાહિત્ય, પૌરાણિક સાહિત્ય સહિત વિવિધ સર્જનો ન્યાય પામ્યા. આ સાહિત્ય સર્જન દ્વારા તેઓએ ગુજરાત રાજય સાહિત્ય અકાદમી દ્વારા અર્પણ કરાતા ચાર એવોર્ડ પ્રાપ્ત કર્યા, તદુપરાંત “કચ્છ શકિત”, “ગુજરાત ગૌરવ”, “સાહિત્ય રત્ન” સહિત સેંકડો એવોર્ડ પ્રાપ્ત કરી “ગુજરાત ગૌરવ” કહી શકાય તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, તેઓનાં કેટલાંક પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર થયું, કેટલીક આંતરરાજ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનાં કેટલાંક સર્જન ટેક્ષબુક તરીકે અને PhD ની રેફરન્સ બુક ના વિષય તરીકે સ્થાન પામ્યા. ગુજરાતમાં રાજકોટની એક સંસ્થા અને એક અમેરિકન સંસ્થાના સર્વે પ્રમાણે પ્રાદેશિક ભાષાઓમાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વંચાતા લેખક તરીકેનું બિરુદ તેમણે પ્રાપ્ત કર્યુ. તેઓની મદદરૂપ થવાની નિસ્વાર્થ ભાવનાને કારણે કેટલાંક નવા લેખકોના ઉદયમાં તેઓ નિમિત્ત બન્યા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી), ગુજરાત સમાચાર, સંદેશ, મુંબઇ સમાચાર (જન્મભૂમિ ગ્રુપ), ફૂલછાબ, કચ્છ મિત્ર, ચેતમછંદર, રાષ્ટ્રવાણી, ચિત્રલેખા, સ્વતંત્રયુગ, ચિત્રપ્રકાશ, આસપાસ, ફલેશ, ઇમેજ, સંકેત અને પિનાક સહિત નામી – અનામી સેંકડો અખબારો અને સામાયિકોમાં તેમની વાર્તાઓ અને કટારો વર્ષો સુધી લોકપ્રિયતાના વિવિધ શિખરો સર કરતી રહી. જેને કારણે દેશ-વિદેશથી પ્રસિદ્બ થતા ગુજરાતી અખબારોએ તેમના સર્જનની નોંધ લઇ અવારનવાર બિરદાવ્યા.

Motivational

“તમારો રોલ મોડેલ કોણ છે?”

“તમારો રોલ મોડેલ કોણ છે?”આ પ્રશ્ન ઘણી વાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. આ પ્રશ્નના જવાબમાં સામાન્ય રીતે લોકો એવા વ્યક્તિનું નામ લે છે જેના દ્વારા તેઓ પ્રભાવિત થયા હોય, પરંતુ ખરેખર પ્રેરિત થયા હોય એવું જરૂરી નથી. રોલ મોડેલનો વિષય ખૂબ જ સંવેદનશીલ છે, અને કોઈ વ્યક્તિની જીવનયાત્રા જાણ્યા વગર તેને પોતાનો રોલ મોડેલ બનાવી દેવાની ભૂલ માણસને ભારે પડી શકે છે. રોલ મોડેલ કોણ છે તે એટલું મહત્વનું નથી, પરંતુ તે વ્યક્તિ તમારા માટે રોલ મોડેલ શા માટે છે તે વધુ મહત્વનું છે. માણસને જીવનના ઘણા પાસાઓ શીખવા માટે રોલ મોડેલની જરૂર પડી શકે છે, પરંતુ કોઈના વ્યક્તિત્વથી આકર્ષાઈને રોલ મોડેલ પસંદ કરવો યોગ્ય નથી. રોલ મોડેલ બનાવવા માટે વ્યક્તિના ગુણો મહત્વના હોય છે. આજના સમયમાં સામાન્ય લોકો કોઈ વ્યક્તિના સંઘર્ષ, મહેનત, ગુણો અને આચરણને ધ્યાનમાં લેવાને બદલે માત્ર તેના ભૌતિક સુખ અને સફળતાને જોઈને તેને પોતાનો આદર્શ બનાવી દે છે. કોઈ ખેલાડી, ફિલ્મ અભિનેતા કે અભિનેત્રી અથવા મોટા બિઝનેસમેનનું જીવનમૂલ્યો અને રોજિંદા આચરણને સમજ્યા વગર માત્ર તેમનું આંધળું અનુસરણ કરવું માણસને વિનાશના માર્ગ પર લઈ જઈ શકે છે. કોઈ વ્યક્તિએ જીવનમાં સફળતાની ઊંચાઈ સુધી પહોંચવા માટે કયા મૂલ્યો અપનાવ્યા છે તેનું મનન કર્યા વગર માત્ર તેની કારકિર્દીને જોઈને તેને રોલ મોડેલ બનાવીએ, અને જો તેનું જીવનચરિત્ર વિવાદો અને ખોટી નીતિઓથી ભરેલું હોય, તો કદાચ આપણે પણ તેના માર્ગે ચાલીને સફળતા મેળવી લઈએ, પરંતુ એવી સફળતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. સામ, દામ, દંડ અને ભેદ જેવી રીતોથી મળેલી સફળતામાં અથવા તો પૈસા લાંબા સમય સુધી ટકતા નથી અથવા તો કીર્તિ ટકી શકતી નથી. રોલ મોડેલ માત્ર કારકિર્દી બનાવવા માટે નથી બનાવવાના; તેઓ આપણા ચારિત્ર્યનું ઘડતર કરવા માટે હોય છે. કોઈપણ ક્ષેત્રનો વ્યક્તિ બીજા કોઈપણ ક્ષેત્રના વ્યક્તિનો રોલ મોડેલ બની શકે છે. માણસે પોતાના રોલ મોડેલના જીવનમાંથી સિદ્ધાંતો, પરિશ્રમ અને ગુણોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સમયનો પ્રવાહ બદલાઈ રહ્યો છે. આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના સમયમાં ઘણી બધી પર્સનાલિટીઓને ફોલો કરે છે, જેમાં કંઈ ખોટું નથી. ભૂલ ત્યાં થાય છે જ્યાં આજના છોકરા-છોકરીઓ એ લોકો જેવી ઝગમગતી જિંદગી જીવવા માટે ખોટા માર્ગો પસંદ કરે છે. છેલ્લા થોડા મહિનાઓમાં ભારતીય ફિલ્મ જગતમાં જે ઘટનાઓ બની છે તે આ વાતનો પુરાવો આપે છે. તે બતાવે છે કે આજના સમયમાં સાચા અર્થમાં રોલ મોડેલ કહી શકાય એવા લોકોની સંખ્યા ઘટતી જઈ રહી છે. જરૂરી નથી કે દરેક મહાન વ્યક્તિ રોલ મોડેલ બનવા માટે યોગ્ય હોય. અંગ્રેજીમાં એક કહેવત છે: “Go with the flow of time.” પરંતુ જ્યારે રોલ મોડેલ પસંદ કરવાની વાત આવે છે ત્યારે ઘણીવાર સમયના પ્રવાહના વિરુદ્ધ દિશામાં વિચારવું પડે છે. એવું નથી કે આજના સમયમાં સારા લોકો નથી કે જેમને રોલ મોડેલ બનાવી શકાય, પરંતુ ગુણવત્તાસભર વ્યક્તિઓની ઊણપ જરૂર છે. દસ-વીસ વર્ષ પહેલાં લોકોમાં આ ગુણવત્તા વધુ દેખાતી હતી, અને સો-બસો વર્ષ પહેલાં તો તેનું પ્રમાણ ઘણું વધારે હતું. તો શું એવું કોઈ નથી કે જે આ ધરતી પરના દરેક માણસ માટે રોલ મોડેલ બની શકે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે સમયની ગતિથી વિપરીત મુસાફરી કરીને ત્રેતા યુગ સુધી પહોંચવું પડે. ત્રેતા યુગમાં આ ધરતી પર માતા સીતા અને ભગવાન શ્રી રામ, જે લક્ષ્મી-નારાયણના અવતાર માનવામાં આવે છે, તેઓ આપણાં સૌ માટે શ્રેષ્ઠ રોલ મોડેલ છે. તેમણે પોતાના જીવનના દરેક ક્ષણે પોતાની ઈશ્વરીય શક્તિનો ઉપયોગ કર્યા વગર માનવજીવન માટે શ્રેષ્ઠ મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પિતા-પુત્ર, માતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, મિત્રતા, પારિવારિક અને સામાજિક સંબંધો, માન-મર્યાદા, કર્મનિષ્ઠા અને રાજકીય આચરણ—દરેક બાબતમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાએ અનુસરવા યોગ્ય સિદ્ધાંતો આપ્યા છે. COVID-19 લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા રામાયણનું પ્રસારણ કરવામાં આવ્યું હતું અને આપણે સૌએ તે જોયું પણ હતું. પરંતુ આપણે રામાયણના પ્રસંગોને આપણા જીવન સાથે કેટલા અંશે જોડ્યા? અને ભગવાનના ચરિત્રને અનુસરવાનો કેટલો પ્રયત્ન કર્યો? ભગવાન અને માતા સીતા ૧૦૦% પૂર્ણ હતા, પરંતુ આપણે તે પૂર્ણતાને છોડીને કેમ માત્ર ૨૦–૨૫% ગુણ ધરાવતા લોકોની પાછળ દોડી રહ્યા છીએ? આજે વિવિધ ક્ષેત્રોમાં સારા અને ગુણવાન લોકોની સંખ્યા બહુ ઓછી છે. રતન ટાટા, ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડ, મેરી કોમ, રાહુલ દ્રવિડ, એમ. એસ. ધોની, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, રાફેલ ફાઇટર ભારત લાવનાર ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહ અને પ્રથમ ભારતીય મહિલા ફાઇટર પાયલટ અવનિ ચતુર્વેદી જેવા ઘણા સારા અને ચરિત્રવાન લોકો છે, જેમને એક સામાન્ય માણસ પોતાના રોલ મોડેલ તરીકે પસંદ કરી શકે છે. આવા લોકોને અનુસરીને આપણે પોતાના જીવનનું ઘડતર કરી શકીએ છીએ. પરંતુ આપણો ધ્યેય હંમેશા ૧૦૦% પૂર્ણતા તરફ હોવો જોઈએ. ઈશ્વરનું અનુસરણ કરીને જ આ નશ્વર જીવનનો સાચો ઉદ્ધાર થઈ શકે છે. આપણા સામે અનેક ઉત્તમ વિકલ્પો છે, પરંતુ અંતમાં પસંદગી તો આપણને જ કરવી છે…

ટોચ પર સ્ક્રોલ કરો