મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા
Written BY : Utpal Mehta (Producer)
14TH MAY, 2026

મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા
માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે…
કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની રહેલા સમયમાં, જ્યાં માણસ માણસની પીડા સમજવાનું કે અનુભવવાનું પણ જાણે કે ભુલી ગયો છે, ત્યાં કોઈ એક સંવેદનશીલ આત્મા જ્યારે મૂક પ્રાણીની વેદનાને પોતાની વેદના સમજી આગળ આવે, ત્યારે માનવતા હજુ જીવંત છે તેવો વિશ્વાસ ફરી જન્મે છે.
આવી જ એક હૃદયસ્પર્શી અને શબ્દાતીત ઘટના વડોદરાની ધરતી પર સર્જાઈ ગઈ.
આ એક એવી તસ્વીર કથા છે, જે લાખો શબ્દો કરતાં પણ ઘણું કહી જાય છે, હૃદયમાં ઉંડે ઉતરી જાય છે.
ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા ખાતે રહેતી કોમ્પ્યુટર એન્જિનિયર કુમારી દેવર્ષી ગાંધી માટે તે માત્ર એક ગલુડિયું નહોતું… તે કોઇ એક પીડાતું રિબાતુ જીવન હતું.
રસ્તા પર ઢસડાઈને ચાલતું, પાછળના બંને પગ કચડાઈ જતા અસહ્ય પીડા સહન કરતું તે નિર્દોષ ગલુડિયું, કદાચ પોતાની વેદના વ્યક્ત પણ કરી શકતું નહોતું. પરંતુ વેદનાની ભાષા માત્ર શબ્દોમાં નથી હોતી… તે આંખોમાં, હલનચલનમાં અને નિઃશબ્દ ચીસોમાં વસતી હોય છે, અને હદયથી જીવનાર આત્મા તે સમજી શકે છે, તે આ ઘટના જોતા લાગે કે નિ:શંક છે.
દેવર્ષીનું હૃદય આ દ્રશ્ય જોઈ હચમચી ઉઠ્યું. સતત એક જ વિચાર તેને અંદરથી કચડી રહ્યો હતો — “આ નિર્દોષ જીવને થોડી રાહત કેવી રીતે આપી શકાય?”
આ વિચાર માત્ર ક્ષણિક દયા નહોતો, પરંતુ એક જીવંત સંવેદનાનો ઉદય હતો.
અંતે, તેની કરુણાભીની લાગણીએ એક અનોખો માર્ગ શોધી કાઢ્યો. દેવર્ષીએ પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંત પર એક નાનકડી ચાલણગાડી તૈયાર કરી. અત્યંત કાળજીપૂર્વક પટ્ટાઓ વડે તે ગલુડિયાની કમર સાથે જોડવામાં આવી. જે ગલુડિયું સતત ઢસડાઈને ચાલતું હતું, તે હવે ફરી હલનચલન કરી શકતું બન્યું. તેને પીડામાંથી છુટકારો મળ્યો. કદાચ તેને માટે આ માત્ર ચાલણગાડી નહોતી… એ તો ફરી જીવવાના આશીર્વાદ હતા.
પણ આ સમગ્ર દ્રશ્યમાં સૌથી વધારે હૃદય ચીરનાર ક્ષણ હતી — ગલુડિયાની માતાની આંખો…

બાજુમાં અડીખમ ઉભેલી શ્વાન માતા, પોતાના સંતાનને મળેલી આ અનોખી રાહતને અચરજ, કરુણા, લાગણી અને અતી ઋણ સ્વીકારના ભાવ સાથે નિહાળી રહી હતી.
તેને જાણે કે કંઈક કહેવું હતું, પણ વાચા નહોતી, એટલે વગર શબ્દો એ પણ આંખોની ભાષા દ્વારા લાખો લાગણીઓ જાણે કે વ્યકત થઈ રહી હતી.
માનવી ઘણીવાર લાગણીઓને શબ્દોથી વ્યક્ત કરવા છતાં, જે અભિવ્યક્ત નથી કરી શક્તો, તે પ્રાણીઓ માત્ર આંખો અને હાવભાવ દ્વારા વ્યકત કરી, સીધા આત્મા સુધી પહોંચાડી શકે છે. તેનો આ બોલતો પુરાવો છે.
જો કોઈ વાંચક ખરેખર તે ભાષા સમજવા ઇચ્છે કે મૂક પ્રાણી પણ પ્રેમ, વેદના, ધિક્કાર, કરુણા અને આભાર સમજી શકે છે, કે કેવી રીતે વ્યક્ત કરી શકે છે, તો તે સમજવા આ શ્વાન માતાની આંખોમાં ઝાંખી કરી લેવી પૂરતી છે.
ફોટો ઝૂમ કરીને જોતા જ તેની આંખોમાં છલકાતી લાચારી, આશ્ચર્ય અને નિઃશબ્દ કૃતજ્ઞતા હૃદયને અંદર સુધી હચમચાવી મૂકે તેવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે, જાણે કે તે માતા નિઃશબ્દ કહી રહી હોય —
“માણસોમાં હજુ ઈશ્વર જીવંત છે…”
દેવર્ષી ગાંધીનું આ કાર્ય સાચા અર્થમાં ઈશ્વર આરાધના સમાન છે. પૂજાથી પણ મહાન આ સેવા છે, જેમાં કોઈ નિઃસહાય જીવની પીડા ઓછી થાય છે. ત્યારે ઈશ્વરને ત્યાં તેની વાસ્તવમાં નોંધ લેવાય છે. કારણ કે ઈશ્વર કદાચ શબ્દોમાં નહીં, પરંતુ આવી સંવેદનાસભર હદય અને કરુણાભીની ક્ષણોમાં વસે છે.
સમાજ આજે ભલે સંવેદનશૂન્ય બનતો જાય, પરંતુ દેવર્ષી જેવા લોકો માનવતાની છેલ્લી દીવાદાંડી સમાન છે — જે હજુ પણ દુનિયાને પ્રકાશ આપે છે.
શત શત પ્રણામ દેવર્શી ગાંધી જેવી સંવેદનશીલ આત્માઓને…
નમન એ મૂક આંખોના સામર્થ્યને, જે શબ્દો વિના પણ હૃદય સુધી પહોંચી શકે છે…
સેલ્યુટ એવા કલાધરને જે… આવી અદભૂત ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી શકયા છે, અને તે ક્ષણને અમર બનાવનાર એ ફોટોગ્રાફ્રર પણ એટલા જ અભિનંદનને પાત્ર છે, કારણ કે ઘણીવાર એક તસ્વીર, આખા સમાજને એ સંદેશ આપી જાય છે, જે હજારો ભાષણો પણ નથી આપી શકતા.
આ માત્ર એક ફોટોગ્રાફ નથી…
આ માનવતા અને સંવેદનાની જીવંત વ્યાખ્યા છે.
આ તસ્વિર વાસ્તવમાં વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડને પાત્ર છે
#UtpalMehtaProducer

Very fine article, Abhinandan