Rasik Mehta – A Legendary Gujarati Author

લેખ ભાષા

Author : Utpal Mehta

5th March, 2026

રસિક મહેતા

(લેખક – પત્રકાર)

સુપ્રસિદ્બ સાહિત્યકાર શ્રી રસિક મહેતા એ મૂળ કચ્છ – ભુજના

વતની, ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. સિધ્ધહસ્ત, લેખક, અભૂતપૂર્વ શૈલીના ધાતા. બાળપણથી વાંચનનો ખૂબ જ શોખ.

જેમાંથી લેખક થવાની પ્રેરણાએ જન્મ લીધો. જેને કારણે માત્ર નસિબના સહારે, સાહિત્ય ક્ષેત્રે કારકિર્દીના સ્વપ્ન સાથે, કચ્છ – ભુજથી ભાગ્ય અજમાવવા, ઘરેથી આપવામાં આવેલ માત્ર રૂપિયા એકસોની મૂડી સાથે કલકત્તા અને એક વર્ષ બાદ ત્યાંથી મુંબઇ પહોંચ્યા.

તે દરમ્યાન, પ્રકાશન ક્ષેત્રે કોઇ સારા પુસ્તકથી શરૂઆત કરવા વિચારી રહેલ સંસ્થા “નવભારત સાહિત્ય મંદિર”ના સ્થાપક શ્રી ધનજીભાઇ શાહ સાથે તેઓ એક કોમન મિત્ર શ્રી જે.પી.શાહ દ્વારા પરિચયમાં આવ્યા. જયાં પ્રાથમિક વાતચીત બાદ કેટલીક શરતોને આધીન સંસ્થાએ શ્રી રસિક મહેતાને નવલકથા લખવાની ઓફર આપી.

રસિક મહેતા તે તબક્કે પાછલાં એક વર્ષથી મુંબઇ ખાતે પોતાને સાહિત્ય ક્ષેત્રે ટકાવી રાખવા ફિલ્મ અને જનરલ પત્રકારિત્વ ક્ષેત્રે સતત ઝઝૂમી રહયા હતા પરંતુ તેમનું મૂળ સ્વપ્ન લેખક તરીકેની કારકિર્દી બનાવવાનું હતું, તેઓને આ ઓફર આશીર્વાદ સમાન લાગી એટલે તે તક ઝડપી લીધી, અને તે રીતે તેઓની પ્રથમ નવલકથા “પ્રણય પ્રકાશ”નું સર્જન થયું, તે સાથે ગુજરાતી સાહિત્ત્યક્ષેત્રે નિઃશંક એક નવા યુગનો ઉદય થયો.

તેઓશ્રી દ્વારા લગભગ 135 ઉપરાંત પુસ્તકોનું સર્જન થયું, જેમાં નવલકથાઓ, ઐતિહાસિક કથાઓ, ટૂંકી વાર્તાઓ, જીવન ઝરમર, પ્રેરણાત્મક સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, બાળ સાહિત્ય, પૌરાણિક સાહિત્ય સહિત વિવિધ સર્જનો ન્યાય પામ્યા. આ સાહિત્ય સર્જન દ્વારા તેઓએ ગુજરાત રાજય સાહિત્ય અકાદમી દ્વારા અર્પણ કરાતા ચાર એવોર્ડ પ્રાપ્ત કર્યા, તદુપરાંત “કચ્છ શકિત”, “ગુજરાત ગૌરવ”, “સાહિત્ય રત્ન” સહિત સેંકડો એવોર્ડ પ્રાપ્ત કરી “ગુજરાત ગૌરવ” કહી શકાય તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, તેઓનાં કેટલાંક પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર થયું, કેટલીક આંતરરાજ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનાં કેટલાંક સર્જન ટેક્ષબુક તરીકે અને PhD ની રેફરન્સ બુક ના વિષય તરીકે સ્થાન પામ્યા.

ગુજરાતમાં રાજકોટની એક સંસ્થા અને એક અમેરિકન સંસ્થાના સર્વે પ્રમાણે પ્રાદેશિક ભાષાઓમાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વંચાતા લેખક તરીકેનું બિરુદ તેમણે પ્રાપ્ત કર્યુ. તેઓની મદદરૂપ થવાની નિસ્વાર્થ ભાવનાને કારણે કેટલાંક નવા લેખકોના ઉદયમાં તેઓ નિમિત્ત બન્યા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી), ગુજરાત સમાચાર, સંદેશ, મુંબઇ સમાચાર (જન્મભૂમિ ગ્રુપ), ફૂલછાબ, કચ્છ મિત્ર, ચેતમછંદર, રાષ્ટ્રવાણી, ચિત્રલેખા, સ્વતંત્રયુગ, ચિત્રપ્રકાશ, આસપાસ, ફલેશ, ઇમેજ, સંકેત અને પિનાક સહિત નામી – અનામી સેંકડો અખબારો અને સામાયિકોમાં તેમની વાર્તાઓ અને કટારો વર્ષો સુધી લોકપ્રિયતાના વિવિધ શિખરો સર કરતી રહી. જેને કારણે દેશ-વિદેશથી પ્રસિદ્બ થતા ગુજરાતી અખબારોએ તેમના સર્જનની નોંધ લઇ અવારનવાર બિરદાવ્યા.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો