વડોદરાના પસ્ચિમ છેડે સેવાસીમાં આવેલ ‘વિધ્યાધર વાવ’
Author : Utpal Mehta (ઉત્પલ મહેતા)
19th April, 2026
મિત્રો,
આજે આપણે વિષય લઇ રહયાં છીંએ, પ્રવાસન. ગુજરાત જેમ સેંકડો બાબતોમાં વિવિધતાઓ ધરાવે છે તેમ જોવા લાયક સ્થળોના વૈવિધ્યથી પણ ગુજરાત સમૃધ્ધ છે. મિત્રો, ભારતમાં ગુજરાત એક એવો પ્રદેશ છે કે જે વિવિધ ભૌગોલિક બાબતોમાં સમુદ્ર, રણ, જંગલો, પહાડો, નદી કે ઝરણા થી માંડી 1600 કિ.મી.નો અદ્ભુત સમુદ્ર કિનારો ધરાવે છે. તો પોતાના ઉદરમાં તે ડાયનોસોરના વારસાને ધરબી બેઠો છે. કયારેક આ ક્ષેત્ર વિશાળકાય ડાયનોસોરના ધરતી ધ્રુજાવતા ડરામણા પગલાંથી ધમધમતો હશે તેવો અહેસાસ કરાવતા ઉતર ગુજરાતના રૈયોલી ખાતે સ્થિત પાર્કથી તે બાબતીની ગવાહી આપે છે.
તો સામે પક્ષે તેનો ઐતિહાસિક વારસો પણ સુંદર છે, તેમાનું એક સ્થળ એટલે વડોદરાના પસ્ચિમ છેડે આવેલ સેવાસી ગામની વિધ્યાધર વાવ.
આ વાવ ત્યાં અસ્પષ્ટરૂપે વાચ્ય લખાણ ઉપરથી લગભગ તે 540 વર્ષ પુરાણી હોવાનું જણાય છે, તે સાથે બુઝુર્ગો દ્વારા જે પેઢી દર પેઢી ચાલી આવતી માન્યતા પ્રમાણે તેની કેટલીક શાખાઓ પણ નીકળતી હતી અને જે દુર દુર સુધી ફેલાયેલી હતી. જમીનની અંદર સાત માળની ઉંડાઇ ધરાવતી આ વાવને ગુજરાતની ઐતિહાસિક ધરોહરમાં એક સ્થાન આપી તેની જાળવણી કરવી જરૂરી છે. તેના સાત માળ અને તેની સાથે જોડાયેલ ભવ્ય કુવો આ વાવની ભવ્યતામાં ઉમેરો કરે છે.
વડોદરા, ગુજરાતની સફરે આવનાર દરેક પ્રવાસીએ એકવાર આ વાવની મુલાકાત જાતે લેવા જેવી અને પોતાના સંતાનોને પણ આવા સ્થળોથી પરિચીત કરાવવા જેવું સ્થળ છે. વડોદરા રેલ્વે અને બસ સ્ટેશનથી તેનું અંતર લગભગ 10 કિમી. છે.
કોઇ યુગમાં પાણીની જાળવણી કે ઉપલબ્ધિના સ્ત્રોત કેવા હતાં તે કલાસસરૂમની વચ્ચે બેસાડી સમજાવવાને બદલે જો નવી પેઢીને આવા સ્થળોનો પરિચય કરાવાય તો તેવું જ્ઞાન ચોકકસ કયારેક યથાર્થ સાબિત થાય.
