Author : Utpal Mehta – ઉત્પલ મહેતા
Date : 2nd March, 2026
ભુજ શહેરમાં દાખલ થતાં પહેલાં જ કુકમા ગામ આવે, તે પછી તરત જ આવતો ફલાય ઓવર બિ્રજ જ્યાં પુરો થાય ત્યાં ડાબી બાજુ કલા કેન્દ્ર ભુજોડી અને બિ્રજની તરત જ જમણી બાજુએ યુ-ટર્ન રૂપે વળાંક લેતાં જ આવતું એક સુંદર અને ઐતિહાસિક સંદર્ભ ધરાવતું હનુમાન દાદાજીનું ધોરાવાનું અદ્ભુત મંદિર સંકુલ સ્થાન ધરાવે છે. તે સાથે, આ પરિસરમાં મહાદેવજીનું મંદિર, ઉપરાંત અહીં 12 જ્યોર્તિલિંગને પણ પ્રતિકાત્મકરૂપે સ્થાપવામાં આવ્યા છે તો વિઘ્ન હર્તા શ્રી ગણેશજી પણ અહીં મંદિરમાં શોભી રહયા છે. આ જ સંકુલની શોભામાં અનેરી વૃધ્ધિ કરતી એવી થોડા સમય પહેલાં સ્થપાયેલ શ્રી હનુમાન દાદાજીની વિશાળ ઉંચી પ્રતિમા અને ભગવાન શ્રીરામજી, લક્ષ્મણજી, જાનકીજી અને દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાઓ દિવસે અલગ અને રાતની રોશનીમાં ઝળાહળા થતી અલગ જ અનુભુતિ કરાવે છે. મંદિરની પાછળ ઐતિહાસિક વાવ આવેલી છે જેનું પુરાતત્વ વિભાગ દ્વારા પુનઃઉત્થાન જરૂરી છે. તો તે સાથે, અહીં બાળકો અને વડિલો પણ આધ્યાત્મિકતા સાથે શાંતિ અને કુદરતને માણી શકે તે અર્થે સુંદર બગિચાનું પણ સર્જન કરાયું છે.
તો દર્શક મિત્રો, જયારે પણ અર્વાચિન અને પ્રાચિનકાળના સમન્વયરૂપ એવા કચ્છના જોવા અને માણવા જેવા અનેક ભવ્ય સ્થળો ધરાવતા વૈવિધ્ય સભર આ પ્રદેશના પ્રવાસે જાઓ ત્યારે શકય હોય તો આ સુંદર આધ્યાત્મિક સ્થળની અવશ્ય મુલાકાત લેવા અને કચ્છની શાંતિને અહીં વાસ્તવમાં માણ્યાનો અનુભવ મેળવવવા હાર્દિક શુભેચ્છા.
કચ્છનાં પરદેશ વસતાં સેંકડો ભકતો એવા છે કે જેઓ જયારે વતન આવે, ત્યારે ભુજ ઉતર્યા બાદ પ્રથમ આ મંદિરના દર્શને જાય છે. – ઉત્પલ મહેતા
