સુરતને મળેલ પ્રસંશનીય, નિષ્ઠાવાન યુવા નેતૃત્વ. શહેરને તેની ઓરિજીનલ ઓળખ “સુરત સોનાની મુરત” પરત અપાવવા તેઓ ઉત્સુક છે. Surat got an Ethical Young Committed Leader

લેખ ભાષા

‘Kigali’ – Rwanda, ‘રવાન્ડા’ના પાટનગર ‘કિગાલી’ની યશગાથા – તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આવું નિષ્ઠાવાન નેતૃત્વ ધારે તો શું કરી શકે ?

‘Author : Utpal Mehta (ઉત્પલ મહેતા) Producer

31st May, 2026

સ્વચ્છતા, નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ : શું આ ઇશ્વરની સાચી ભક્તિ નથી?

આપણે ભવ્ય મંદિરોનું નિર્માણ કરીએ છીએ, વિશાળ ધાર્મિક સમારંભો યોજીએ છીએ, યાત્રાધામોની મુલાકાત લઈએ છીએ, પરંતુ શું માત્ર આટલાથી જ ઇશ્વરની સાચી કૃપા પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્ન દરેક જાગૃત અને જવાબદાર ભારતીયના મનમાં અવશ્ય ઉદ્ભવવો જોઈએ.

વાસ્તવમાં ઇશ્વરની સાચી ભક્તિ આપણા દૈનિક જીવનમાં રહેલી સ્વચ્છતા, શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા અને નાગરિક તરીકેની સામાજિક જવાબદારીઓના પાલનમાં વસે છે. જો આપણે પોતાના ઘર, માર્ગો, વિસ્તાર, ગામ, શહેર અને સમગ્ર સમાજને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાની પ્રામાણિકતા દાખવીએ, તો તે પણ ઇશ્વરની સર્વોચ્ચ ઉપાસના સમાન જ ગણાય.

કોરોના મહામારીના સમયગાળા દરમિયાન યુરોપે સાવચેતીપૂર્વક નિર્ણય લેતા, ચોક્કસ શરતોને આધિન માત્ર ગણતરીના દેશોને જ યુરોપિયન યુનિયનમાં પ્રવેશ આપવા નક્કી કર્યું હતું, આશ્ચર્યની વાત એ હતી કે તેમાં આફ્રિકાનો એક નાનકડો દેશ પણ સમાવિષ્ટ હતો.

ગુજરાતીમાં એક કહેવત છે – “મન હોય તો માળવે જવાય.” આ કહેવત અહીં એટલા માટે યાદ આવે છે કે વિશ્વનો એ નાનકડો દેશ મધ્ય આફ્રિકાનો ‘રવાન્ડા’. માત્ર બે દાયકા પહેલાં જ, ત્યાંની બે મુખ્ય પ્રજાઓ હુતુ અને તુત્સુ – વચ્ચેના ભયાનક સંઘર્ષમાંથી પસાર થયેલો આ દેશ, એક સમયે ગરીબી અને અસ્વચ્છતા માટે ઓળખાતો.

પરંતુ એક યુવાન નેતૃત્વની પ્રેરણા, દૃઢ સંકલ્પ અને તેમાંથી જાગેલ રાષ્ટ્રીય ચેતનાએ સમગ્ર દેશની ઓળખ બદલી નાંખી. તેની રાજધાની ‘કિગાલી’ આજે વિશ્વના સૌથી સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેરોમાં સ્થાન ધરાવે છે. આ પરિવર્તન પાછળ એક યુવા નેતાની પ્રેરણા, પ્રજાની નિષ્ઠા, શિસ્ત અને સહભાગિતા હતી.

ત્યાંના નાગરિકોને અઠવાડિયાના માત્ર બે કલાક પોતાના ગામ, શહેર અને સમાજની સેવા માટે સમર્પિત કરવાના નિર્ણય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પરિણામે મૂળભૂત સુવિધાઓ, સામાજિક એકતા અને નાગરિક જવાબદારીના ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. યુવા નેતાની પ્રેરણાને કારણે પ્રજાએ દરેક બાબતમાં સરકારને દોષ આપવાને બદલે પોતાની જવાબદારી સ્વીકારી, સરકાર સાથે ખભેખભો મિલાવી કાર્ય કર્યું. પરિણામે રવાન્ડાએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને આજે તે આફ્રિકાના સૌથી સ્વચ્છ અને વ્યવસ્થિત દેશોમાં ગણાય છે.

સ્વચ્છતાના આ અભિયાનથી માત્ર શહેરની છબી જ બદલાઈ નહીં, પરંતુ આરોગ્ય, પ્રવાસન, રોજગાર, વિદેશી રોકાણ અને આર્થિક વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી.

આવી જ એક પ્રેરણાદાયક ગાથા સિંગાપોરની છે. 1960ના દાયકામાં ભ્રષ્ટાચાર, ગરીબી અને અવ્યવસ્થાથી પીડાતું સિંગાપોર એક યુવા નેતાની નિષ્ઠાને કારણે આજે વિશ્વના સૌથી વિકસિત અને સુવ્યવસ્થિત દેશોમાં સ્થાન પામ્યું છે. ‘માનવ વિકાસ સૂચકાંક’માં તેનું સ્થાન વિશ્વના અગ્રણી દેશોમાં છે.

આ સફળતા પાછળનું રહસ્ય માત્ર સારા શાસન પુરતું નહોતું; પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજી, યોગ્ય નેતૃત્વને ઓળખ્યું અને તેને નિષ્ઠાપૂર્વક સહકાર આપ્યો. આજે ભારતને આઝાદી મળ્યાના દાયકાઓ વીતી ગયા હોવા છતાં, દેશની અસ્વચ્છ છબી માટે શું માત્ર સરકાર જ જવાબદાર છે? શું પ્રજાની કોઈ જવાબદારી નથી?

જ્યાં સુધી પ્રજામાં માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, ગૌરવ, જાગૃતિ અને જવાબદારીની ભાવના જાગૃત નહીં થાય, ત્યાં સુધી શ્રેષ્ઠ ઇરાદા ધરાવતી કોઈપણ સરકાર કે નેતા મર્યાદિત જ પરિણામ આપી શકે.

આજે પ્રશ્ન એ નથી કે સરકારે દેશ માટે શું કર્યું ?

પ્રશ્ન એ છે કે મેં મારા દેશ, મારા શહેર અને મારા ગામ માટે શું કર્યું?”

પ્રાંતવાદ નહીં, રાષ્ટ્રવાદ.

કારણ કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે જ સમાજ અને વ્યક્તિનું કલ્યાણ શક્ય બને છે.

જો આપણે આ પ્રકારની નિષ્ઠા અને જવાબદારી કેળવીએ, તો વિશ્વમાં કોઈપણ વ્યક્તિ આપણા દેશ કે પ્રજાને અપમાનજનક વિશેષણોથી સંબોધિત કરતાં પહેલાં વિચારવા મજબુર થશે. જરૂર છે માત્ર આત્મગૌરવ, નિષ્ઠા અને જાગૃતિની.

આપણા ઘરે કોઈ મહેમાન આવે અને ઘર ગંદું હોવાની ખરાબ છાપ લઈને જાય, તો શું આપણને ગમશે? જો નહીં, તો પછી આપણા દેશ, શહેર કે ગામ વિશે આપણે આ જ ભાવના કેમ નથી રાખતા?

વિદેશમાં જઈ વસવાટ કરતા ભારતીયો, ત્યાંના કાયદાઓ અને સ્વચ્છતાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરે છે, તો પોતાની માતૃભૂમિમાં જ આ બાબતો પ્રત્યે આપણાં લોકોમાં ઉદાસીનતા શા માટે?

વિશ્વમાં કદાચ ભારત જ એવો દેશ છે જેને “દેવભૂમિ” કહેવામાં આવે છે, જેને “ભારત માતા” તરીકે સંબોધવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ જ માતૃભૂમિ પર માણસ પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થૂંકે, કચરો ફેંકે કે ગંદકી ફેલાવતા જરા પણ ખચકાતો નથી કે વિચારતો નથી કે જેને હું માતા કહું છું, તેના પર જ હું વારંવાર ગંદકી કરું છું?

જો આપણે ખરેખર ભારતને વિકસિત દેશોની હરોળમાં જોવાનું સ્વપ્ન જોતા હોઈએ, તો આપણે સૌએ પોતાના ઇષ્ટદેવને સાક્ષી રાખીને એક સંકલ્પ કરવો જોઈએ કે—

“હું ક્યાંય પણ ગંદકી નહીં કરું, અને જ્યાં ગંદકી થતી જોઈશ ત્યાં તેને અટકાવવા માટે મારી શક્તિ મુજબનો દરેક પ્રયાસ કરીશ.” જાહેરમાં દરેક બાબતમાં શિસ્તનું પાલન કરીશ.

ત્યારે જ આપણે આગામી પેઢીને સ્વચ્છ, સુઘડ અને ગૌરવશાળી રાષ્ટ્રની અમૂલ્ય ભેટ આપી શકીએ.

શું જ્યાં ગંદકી હોય, અથવા જ્યાં ગંદકીને આપણે નજરઅંદાજ કરતાં હોઈએ, ત્યાં ઇશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે?

મારા મતે તેનો જવાબ સ્પષ્ટ છે — ના.

દરેક ભારતીયે આ પ્રશ્ન પર નિષ્ઠાપૂર્વક વિચારવું જોઈએ.

જ્યારે દરેક વ્યક્તિ એવો સંકલ્પ કરશે કે મારા કારણે સમાજને કોઈ તકલીફ ન પડે,” ત્યારે જ સાચા અર્થમાં સંસ્કારી, જવાબદાર અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ શક્ય બનશે.

સ્વચ્છતા માત્ર શરીર કે આસપાસના વાતાવરણ પૂરતી મર્યાદિત નથી. વિચારોની શુદ્ધતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વ્યવહારમાં પ્રામાણિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ આવશ્યક છે.

નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય, ભલે તે ગમે તેટલું નાનું કેમ ના હોય, ઇશ્વરને સર્વાધિક પ્રિય છે. એક સફાઈ કર્મચારી પોતાની ફરજ ઈમાનદારીથી બજાવે, એક શિક્ષક સચ્ચાઈપૂર્વક જ્ઞાન આપે, એક ડૉક્ટર કરુણાભાવથી દર્દીની સેવા કરે, એક સામાન્ય નાગરિક નિયમોનું પાલન કરે—આ બધું જ ભક્તિના જીવંત સ્વરૂપો છે.

અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અમર સૂત્ર યાદ આવે છે—

યોગઃ કર્મસુ કૌશલમ્

અર્થાત્, કર્મમાં શ્રેષ્ઠતા જ યોગ છે.

આ સમગ્ર લેખનો સાર આ એક જ વાક્યમાં સમાઈ જાય છે.

દેશની સમસ્યાઓ માટે આપણે ઘણી વખત સરકારને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ દેશની છબી ઘડવામાં સામાન્ય નાગરિકની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. જો દરેક વ્યક્તિ પોતાના વિસ્તારની સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ બને, તો શહેરો અને ગામડાંઓનો કાયાકલ્પ નિ:શંક છે.

ઇશ્વર માત્ર મંદિરોમાં જ નથી; પરમાત્મા સર્વત્ર છે. માટે સ્વચ્છતા સર્વત્ર જરુરી છે.

આપણે નવી પેઢીને માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત, સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો વારસો પણ આપીએ. કારણ કે સ્વચ્છ અને સંસ્કારી સમાજ જ સમૃદ્ધ અને સુખી રાષ્ટ્રનો પાયો બની શકે.

અંતમાં એટલું જ કે જો આપણે ખરેખર ઇશ્વરની કૃપાને પાત્ર બનવા માંગતા હોઈએ, તો માત્ર બાહ્ય દેખાવને બદલે પોતાના વર્તન, સ્વયં શિસ્ત, સ્વચ્છતા અને નિષ્ઠા ઉપર ધ્યાન આપવું પડશે.

કારણ કે —

“શિસ્ત, સ્વચ્છતા અને નિષ્ઠા એ જ ઇશ્વરની સર્વોચ્ચ ભક્તિ છે.”

ઉપરોક્ત વિષય પર લખવાની પ્રેરણા એટલે થઈ કે એક યુગમાં સુરત ની એક આગવી ઓળખ હતી, જે સમય સાથે ભુલાતી ગઇ. યોગાનુયોગ ઇશ્વરકૃપાથી ગુજરાતના આ શહેરને આજે નિષ્ઠાવાન અને વિકાસલક્ષી નેતૃત્વ મળ્યું છે. આજના રાજકારણમાં આવું વ્યક્તિત્વ દુર્લભ છે. વધુ સારી વાત એ છે કે તેઓના પુત્ર પણ એ જ નિષ્ઠા, ઉત્સાહ અને નિઃસ્વાર્થ ભાવનાથી સમાજ માટે કંઈક શ્રેષ્ઠ કરવાની ધગશ ધરાવે છે. આ સુરતનું સદ્ભાગ્ય છે.

સુરતની પ્રજા આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તેના ઉપર બધું નિર્ભર કરે છે, સમાજે લોભ, લાલચ અને વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઊઠીને આવા નેતાઓને યોગ્ય સાથ સહકાર આપવો જોઈએ, જેઓ ખરેખર સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક સારું કરવાની ભાવના ધરાવે છે.

આ યુગમાં ઇશ્વરની કૃપા વિના સારી વ્યક્તિઓ મળવી પણ દુર્લભ છે.

આ કોઈ પેઈડ આર્ટિકલ નથી. જાતે અનુભવેલી બાબતને શબ્દોમાં વ્યક્ત કરવાનો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે.

હવે પ્રશ્ન એ છે કે આપણે શું કરી શકીએ ?

જ્યાં ખુલ્લી જગ્યાઓ હોય, જયાં ગંદકીના ઢેર થવાની શકયતા હોય,

જે રસ્તા, ગલીઓમાં ગંદકી રહેતી હોય,

ત્યાં બાગ, બગિચા, રસ્તાની આજુબાજુ ભારતના વાતાવરણને અનુરુપ વૃક્ષારોપણ કરીએ.


પ્રયત્ન તો કરીએ.

એક નાનકડા પ્રયાસથી જે તે સ્થળનો નજારો ચોક્કસ બદલાઇ શકે.

આશા છે કે નવી પેઢી, આંખને ગમે તેવી રમણીયતા જરૂર પસંદ કરશે.

આપના પ્રતિભાવ આપના સ્થળ સહિત નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.

આપના વિચારો અને સુચનો હંમેશા આવકાર્ય છે.

ધન્યવાદ

ઉત્પલ મહેતા

#UtpalMehtaProducer

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો