દિવ્યાત્મા શ્રી નીમ કરૌરી બાબાજી – ભારત – એક આધ્યાત્મિક ધરોહર – Baba Neem Karori jee

લેખ ભાષા

Author : Utpal Mehta –  ઉત્પલ મહેતા

Date : 30th April, 2026

વિશ્વ વિખ્યાત દિવ્યાત્મા મહાયોગી શ્રી નીમ કરૌરી બાબાજી, બહું ઓછા લોકોને એ ખ્યાલ હ્શે કે તેઓની આદી તપઃસ્થલી એટલે કે મુળ તપોભૂમિ, એ ગુજરાતના વવાણિયા ગામમાં સ્થાન ધરાવે છે.

ભારત એ તપોભૂમિ કે આધ્યાત્મિક ભુમિ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દેશના વિવિધ સ્થળો,  હિંદુ સંસ્કૃતિની વિવિધ આશ્ચર્યજનક અને ગહન બાબતોને આજે પણ સાચવી રહયાં છે. તેમાનું એક અભૂતપૂર્વ સ્થળ એટલે ગુજરાતના મોરબી – માળીયા રોડ ઉપર, મોરબીથી કચ્છ જવાના રસ્તે, ડાબી બાજુએ, ૩૯ કિમી અંદર આવેલ વર્ષો જુના બંદર “નવલખી” નજીક સ્થિત વવાણિયા ગામ (https://goo.gl/maps/YMWx4gZoeBUvKDsDA).

આ ગામ સ્વયં એક તપોભૂમિ છે. આશ્ચર્યકારક બાબત એ છે કે અહીં સેંકડો મહાન યોગીઓ, સંતો, તપસ્વીઓ  તપશ્ચર્યા કરી ગયા, તેમ છતાં બહુ ઓછા લોકો આ ભૂમિની વિશિષ્ટતાથી પરિચિત છે. આ સ્થળ, શ્રીમદ્‌ રાજચંદ્ર, મા રામબાઇ, બાપા સિતારામ, દિવ્યાત્મા પૂ. શ્રી નીમ કરૌરી બાબાજી જેવાં અતિ ઉચ્ચ કોટિના સિદ્ધાત્માઓના પાવન પગલાં અને તપશ્ચર્યાથી સમૃદ્ધ છે. (પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી,  આ આર્ટિકલના લેખક શ્રી ઉત્પલ રસિક મહેતાના દાદીના મામા થાય, તે પરમ સદ્ભાગ્ય છે.)

વરસો પહેલાં અહીં વવાણિયા ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં “મા રામબાઇ આશ્રમ” ની સામે શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દર્શન થતા હ્તા. અમે પ્રથમવાર વવાણિયા ગયા તેની પણ એક રસપ્રદ કથા છે. જે ભવિશ્યમાં વર્ણવીશું.

હવે મુળ વાત ઉપર આવું, વલસાડ પાસે આવેલ જાણિતી રિયાસત ધરમપુરના રાજવી ફેમિલીના જમાઇ અને ટુરિઝમ સાથે સંકળાયેલ શ્રી પરેશભાઇ રાવલ, તેઓ મારા સ્કુલ કાલીન મિત્ર થાય, તેઓ મારા જીવનમાં શ્રી નીમ કરોરી બાબાજીની બાબતમાં બે વાર નિમિત્ત બન્યા. જે સ્વયં એક ગહન રહસ્ય છે.

20 વર્ષ પહેલાં એકવાર તેઓ મને પીળુ પુંઠું ધરાવતી નાની હિન્દી પુસ્તિકા “કૈંચીધામ કે દિવ્ય સંત બાબા નીમ કરોરીજી”  આપી ગયેલ, જે માત્ર કુતુહલ ખાતર વાંચી મેં તેમને પરત કરેલ અને તે વાત પણ વિસરાઇ ગઇ હતી.

અમારું વર્ષમાં જયારે શકય બને ત્યારે અવાર નવાર એક બીજાને ત્યાં રોકાવું સામાન્ય બાબત રહી છે, અને કોઇ નિમિત્ત વગર પણ જઇને રોકાવું ગમે તેવો નાતો રહયો છે.

વર્ષો પહેલા,  લગભગ 2018માં પરેશભાઇ અને તેમના પત્નિ હેમકુંવર બા મારે ઘરે 1 – 2 દિવસ રોકાયેલ. તે દરમ્યાન, અમારે દેવાસની તેમની ગુરૂ પરંપરામાં આવતા શિષ્ય, કે જેઓ વડોદરા, નિઝામપુરા રહેતા. તે ડો.ઉપેન્દ્રભાઇ ભટ્ટ સાહેબને મળવા જવાનું થયું. જેઓ હોમિયોપથી અને આયુર્વેદ બંનેમાં વિધ્વતા ધરાવતા અને હોમિયોપથી હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે સેવા આપતા એક સજ્જન વ્યકિત લાગ્યા. 

શરૂઆતમાં જ થોડી ઘણી ચર્ચા બાદ તેઓ વાસ્તવમાં કોઇપણ જાતના દેખાડા કે અહંમ વગરના એક ઉચ્ચ કોટીના અતી સરળ સાધક કહી શકાય તેવો મારો પ્રમાણિક અભિપ્રાય સર્જાયો, કારણ તેઓ જાતે સ્વયંનું અનુભવ સિધ્ધ જ્ઞાન બતાવવા જરાય ઉત્સુક ના લાગ્યા, જયારે પુછો ત્યારે જરૂર પુરતો જવાબ આપે. આધ્યાત્મિક વાતોમાં બે – અઢી કલાક કયાં નિકળી ગયા તે ખ્યાલ જ ના રહયો,  ધીરેધીરે તેઓને લાગ્યું કે મારા પ્રશ્નો પાછળ આધ્યાત્મિક ભુખ સિવાય કોઇ હેતુ નહોતો, વાસ્તવમાં આધ્યાત્મિક બાબતમાં હું આંતરિક રીતે ભાગ્યે જ કોઇથી પ્રભાવિત થયો હોઇશ તેમાં ભટ્ટ સાહેબને એક ચોકકસ વ્યકિત ઘણી શકાય.

હું અને ભટ્ટ સાહેબ વાતોમાં તલ્લિન હતા, તે દરમ્યાન થોડી ખામોશી બાદ અચાનક તેમને શું પ્રેરણા થઇ કે તેમણે મને જણાવ્યું કે “થોભો, હું એક પુસ્તક તમને વાંચવા આપુ છું”, તેમ કહી તેઓએ તેમના ઘરના ઉપરના માળેથી “અલૌકિક યથાર્થ” નામનું શ્રી નીમ કરોરી બાબા ઉપરનું પુસ્તક લાવી મને આપ્યું.

હું વિચારમાં પડી ગયો કે આજ નામના સંતની એક નાની પુસ્તિકા પરેશભાઇએ મને આજથી બરોબર પંદર વર્ષ પહેલા આપેલ, જે મેં ઔપચારિકરીતે વાંચી તેમને પરત કરેલ, આજે ફરીથી પરેશભાઇના જ નિમિત દ્વારા એજ સંતનું મોટું પુસ્તક એક સાધક મને આપી રહયા છે શું આ યોગાનુંયોગ હોઇ શકે ? ના, જરૂર કોઇ સંકેત હોઇ શકે. અને મેં તે પુસ્તક અભ્યાસના ભાવ સાથે હાથમાં લીધું. તેમની સાથેની ચર્ચાના વિશિષ્ટ અનુભવો ફરી કયારેક અલગ લેખમાં લઇશું.

            તે પછી, બીજા દિવસે  મેં 423 પાનાનું તે પુસ્તક વાંચવાનું શરૂં કર્યુ અને જોતજોતામાં તે બે દિવસમાં કેવી રીતે વંચાઇ ગયું તે ખ્યાલ જ ના રહયો.  

            તે પુસ્તકમાં એક ઉલ્લેખ આવ્યો, કે યુ.પી. ના એક સિધ્ધ સંત બાળપણમાં બાબાજીને  પ્રેરણા આપે છે કે “ગુજરાત કે સૌરાષ્ટ્ર મે સ્થિત ‘બબાનિયા’ જાઓ ઓર વહાં તપસ્યા કરો”. હું સ્તબ્ધ રહી ગયો, સૌરાષ્ટ્રથી હું ઘણે અંશે પરિચીત છું છતાં “બબાનિયા” નામ કેમ મારી જાણમાં નથી તેનું આશ્ચર્ય થયું, તે રાત્રે જ મેં વિવિધ લોકોને ફોન લગાડી તે વિશે પુછયું, પણ કોઇને “બબાનિયા” નામના સ્થળ હોવાની ખબર જ નહોંતી. મેં ગુગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું, અને એક ઠેકાણે મને “બવાનિયા” જોવા મળ્યું, મને લાગ્યું કે કયાંક ભાષા નું કન્ફયુઝન લાગે છે વધુ સર્ચ કરતાં “વવાણિયા” નામ સામે આવ્યું અને હું ખુશ થઇ ગયો કારણ મારા દાદીના મામા એટલે કે કૃપાળુ દેવ – શ્રીમદ્ રાજચંદ્રજીએ વવાણિયા ખાતે તપસ્યા કરેલ તે મેં મારા પિતાજી પાસેથી સાંભળેલ.

            બીજે જ દિવસે હું મધર ને જાણ કરી વવાણિયા જવા નિકળી ગયો, મનમાં ગજબની ઉત્કંઠા અને રોમાંચ હતો. તે યાત્રા કેવી રહી તે ફરી અલગ લેખ માં લઇશું.

આ રીતે એક દિવસ રાજકોટ રોકાઇ બીજે દિવસે જ્યારે વવાણિયા પહોંચ્યો અને ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં આવેલ “મા રામબાઇ આશ્રમ” ના મહંત પુ.શ્રી પ્રભુદાસજીને મળતા તેઓએ ખુબજ પ્રેમથી સત્કાર્યા, તેઓએ જણાવ્યું કે “હા એ વાત સાચી છે કે શ્રી નીમ કરોરી બાબાજી એ અહીં જ સાધના કરેલ”, તેટલું કહેતા તેઓ કાર્યાલયમાંથી મને બહાર ઓટલા ઉપર લઇ આવ્યા અને સામે ની દિશામાં આંગળી લંબાવતા તેમણે જણાવ્યું કે “આ સામે દેખાય છે તે શ્રી હનુમાન દાદાજીના નાના મંદિરની સ્થાપ્ના શ્રી નીમ કરૌરી બાબાજીના સ્વ કરકમલ દ્વારા થયેલ”, અમને મંદિરની સામે જ આવેલ અને શ્રી નીમ કરૌરી બાબાજી દ્વારા સ્થાપિત શ્રી હનુમાન દાદાજીના એક નાના મંદિરના દુરથી દર્શન કરાવ્યા.  ત્યારે મારા રોમાંચનો પાર ના રહયો, કારણ જે હજી બે દિવસ પહેલાં જ હું પુસ્તકમાં વાંચી ને આવ્યો હતો તે સ્થળ અત્યારે મારી નજર સામે હતું. ત્યારે જાણે કે એક અદ્ભૂત રોમાંચ રોમ રોમમાં વ્યાપી ગયો. આ મંદિરની સ્થાપના, એક નાની દેરી રૂપે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સ્વયં પ.પૂ.શ્રી નીમ કરૌરી બાબાજીને સ્વ હસ્તે  થયેલ, જે ખૂબ જ મહત્વની બાબત છે.  જ્યાં હનુમાન દાદાજી ની એક નાની દેરી હતી તેમાં ભગવાન શ્રી હનુમાન દાદાજી ના ચરણોમાં શ્રી નીમ કરોરી બાબાજીનો ફોટો સ્થાપિત કરાયેલ હતો, જે અહીં  બાબાજી એ કરેલ સાધનાની સત્યતાની ગવાહી આપતો હતો,

આજે તો અહીં ઉપર જણાવ્યું તેમ આવા મહાયોગી દિવ્યાત્મા દ્વારા નિર્માણ પામેલ એક નાનકડી દેરી, અમદાવાદ સ્થિત આર્કિટેક શ્રી વિશાલ ભાવસારની શ્રદ્ધા, અદ્‌ભુત કાર્ય નિષ્ઠા, અને ટ્રસ્ટી મંડ્ળની મહેનત ને કારણે આ સ્થળ બાજુ બાજુમાં બે સુંદર મંદિર ના એક ભવ્ય સંકુલરૂપે નિર્માણ પામ્યું છે, જેમાં એક મંદિર ભગવાન શ્રી હનુમાન દાદાજી અને એક મંદિર દિવ્યાત્મા શ્રી નીમ કરોરી બાબાજીનું. એમ આવું ભવ્ય પરિસર આ આદી તપઃસ્થલીની ભવ્યતામાં અનેરો વધારો કરે છે.

આશ્ચર્યની બાબત એ છે કે “યુ-ટયુબ”માં બાબાજીના વિવિધ વિડિયો દ્વારા ગુજરાતીઓએ પ.પૂ. શ્રી નીમ કરૌરી બાબાજીનો જે પરિચય મેળવ્યો તેનાં સિવાય હજુ ઘણી બાબતથી   ગુજરાતીઓ અથવા ભારતીયો દૈવત્વ ધરાવતા આ અતિ ઉચ્ચ કોટિના સંત અથવા જેમને સાક્ષાત્ત શ્રી હનુમાન દાદાજીનો અંશાવતાર કહી શકાય તેવા દિવ્ય આત્માના ઐશ્વર્ય કે વિભૂતિ યોગથી અપરિચિત છે.

બિરલા, કે.એમ.મુનશી, શંકર દયાલ શર્મા, લાલબહાદુર શાસ્ત્રીજી, સ્ટિવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, જુલિયા રોબર્ટસ જેવાં જેઓને ગુરૂ માનતા કે દિવ્યાત્મા માનતા તેવાં આ મહાયોગી સિદ્ધાત્મા નીમ કરૌરી બાબાજી ગુજરાતને ખોળે સાધના કરી આ ભૂમિને પાવન કરી ગયા, જી હાં, તેઓ એક સંતની પ્રેરણાથી ઉતર પ્રદેશ (યુપી) થી સૌરાષ્ટ્ર, વવાણિયા આવ્યા, અને અહીં કઠોર તપશ્ચર્યા કરી અને કોઇને તેનો ખ્યાલ પણ ના આવ્યો.

 અહિં ગામમાં પ્રવેશ કરતાં જ પાદરમાં એક તળાવ છે, કહેવાય છે કે બાબાજીએ નાની ઉંમરે અહીં તળાવમાં આવેલ એક નાની ટેકરી ઉપર વરસો  સુધી તપશ્ચર્યા કરી હતી,  જે લગભગ 1910 ની સાલ ની આસપાસની વાત હ્શે. સાત-આંઠ વર્ષની તપશ્ચર્યા બાદ તેઓ વવાણિયાથી કોઇ અજ્ઞાત સ્થળે વિદાય લઇ ગયા. વર્ષો બાદ તેઓશ્રી નીમ કરૌરી બાબાના નામે સંસાર સમક્ષ ઉપસ્થિત થયા. અમે ગામમાં તપાસ કરતાં એક વયોવૃધ્ધ વ્યક્તિએ જણાવ્યું કે “હા” મારા પિતાજી કહેતા હતા કે અહીં તળાવમાં એક બાળકે વરસો સુધી તપશ્ચર્યા કરી હતી, એ તેમણે જોઇ હતી, પરંતું તે શ્રી નીમ કરોરી બાબાજી  હશે તેવી તો કલ્પ્ના પણ કયાંથી હોય.

અમેરિકાની એપલ કંપનીના માલિક “સ્ટિવ જોબ્સ” જ્યારે ડિપ્રેશનમાં હતા ત્યારે “લેરી બિ્રલ્યન્ટ“ની પ્રેરણાથી (તેમના વિશે વધુ જાણકારી કદાચ ગુગલ ઉપરથી મળી રહે)  તેઓ પૂ.શ્રી નીમ કરૌરી બાબાજીના નૈનિતાલ નજીક સ્થિત કૈંચીધામ આશ્રમે આવ્યા, જયાં તેમના થોડા  દિવસના રોકાણ અને સાધના બાદ તેમને અદ્ભુત શાંતિ મળી, અમેરિકા પરત ફર્યા બાદ કોઇક ચમત્કારિક રીતે તેઓના પ્રશ્નોના સમાધાન થયા, જેઓને “એપલ”માંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા અને ડિપ્રેશનને કારણે જેમને આપઘાતના વિચાર આવતા, તેઓ ઘણીવાર દરિયા કિનારે કલાકોના કલાકો શુન્યમનસ્ક થઇ બેસી રહેતા,  જેમની પાસે એક ટાઇમના ભોજનના પૈસા પણ નહોતા રહયા અને જેઓ હરે ક્રૃષ્ણ – ઇસ્કોન મંદિરમાં જઇ જમતા,  તેઓ કૈંચીધામ બાબજીના આશ્રમ પર સાધના કરી અમેરિકા પરત ફર્યા બાદ ફરી “એપલ”ના ચીફ તરીકે નિયુકત થયા. આવી જ બાબત  ફેસબુકના સી.ઇ.ઓ માર્કઝુકરબર્ગના જીવનમાં બની, તેઓ હતાશ થઇ ગયા હતા, ફેસબુક ઉપર ખુબ જ દેવુ થઇ ગયું હતું, શું કરવું તે સમજાતું નહોતું,   તેવે સમયે જેમને તે ગુરૂ માનતા તે “સ્ટિવ જોબ”ને મળવા ગયા. અને ફેસબુક વેચી દેવાનો વિચાર જણાવ્યો, “સ્ટિવ જોબે” તેમને સલાહ આપી કે જ્યારે મારા જીવનમાં આવી વિકટ પરિસ્થિતી આવી હતી ત્યારે હું “લેરી બિ્રલિયન્ટ” સરની સલાહથી આધ્યાત્મિક સહારા અને માર્ગદર્શન અર્થે ભારત શ્રી નીમ કરોરી બાબાજીના દર્શને ગયો હતો ત્યારે બાબાજીનો દેહ તો 1973 માં છુટી ગયૉ હતો, અને પછી જ મને કોઇ અકલ્પીય સહાય દ્વારા માર્ગ મળતા ગયા, તું નિરાશ થયા વગર કોઇ પણ નિર્ણય લેતા પહેલા વિશ્વાસ રાખી, મારી જેમ એકવાર ભારત, કૈંચીધામ દર્શન કરી આવ, પછી તને જે યોગ્ય લાગે કે પ્રેરણા જાગે તે પ્રમાણે કરજે. ત્યાર બાદ 2014 માં માર્કઝુકરબર્ગ ભારત, કૈંચીધામ આવ્યા, બાબાજીના આશ્રમ ઉપર થોડા દિવસ રોકાઇ સાધના કરી, ત્યારબાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત લઇ અમેરિકા પરત ફર્યા, અને તે પછી, તેઓએ જીવનમાં જે પોઝિટીવ પરિવર્તન અનુભવ્યા અને આજે તેઓ કયા સ્થાન ઉપર છે તેનું વિશ્વ સાક્ષી છે. ત્યારે ભારતની પ્રજાને આ સિદ્ધાત્મા નો ખ્યાલ આવ્યો અને તેઓ સંદર્ભે જિજ્ઞાસા જાગી.

તેવું જ હોલીવુડ હિરોઇન જુલિયા રોબર્ટ સાથે બન્યું, તેમણે જણાવ્યું કે હું જ્યારે પણ મુંજવણમાં હોઉં ત્યારે આ દાદા મને સ્વપ્નમાં દર્શન આપતા અને કલ્પના ના આવે તે રીતે મારી સમસ્યાઓનું સમાધાન આપોઆપ થતું. પણ હું કયારેય સમજી નહોંતી શકતી કે આવું કેવી રીતે શકય બની શકે ?  તે પછી તેઓ હિંદુ ધર્મ સ્વિકારી, સંપુર્ણ શાકાહારી થઇ, બાબાજીના પરમ ભકત બની રહયાં. આવી તો સેંકડો અકલપ્ય બાબતો, કિસ્સાઓ,  આ 21મી સદીમાં બ્ર્રહમાંડ્માં હરણફાળ ભરવા થનગની રહેલા વિજ્ઞાન યુગમાં નોંધાઇ ચુકયા છે અને જેનો આજ સુધી કોઇ જવાબ આપી નથી શકયું.  એટલે જ ભારત એ આ પૃથ્વિીની આધ્યાત્મિક ધરોહર છે તેમ કહેવું તે અતિશયોક્તિ નહીં જ ગણાય,  તેનો આ પ્રચંડ પુરાવો છે.

આવા મહાયોગી દિવ્યાત્મા દ્વારા વવાણિયા ખાતે નિર્માણ પામેલ એક નાનકડી દેરી આજે અમદાવાદ સ્થિત આર્કિટેક શ્રી વિશાલ ભાવસારની શ્રદ્ધા અને અદ્‌ભુત કાર્ય નિષ્ઠાને કારણે ભવ્ય સંકુલરૂપે નિર્માણ પામી છે. આ ડિજીટલ મેગેઝિન ને સથવારે આપણે પૂ. શ્રી નીબ કરૌરી બાબાજીના જીવન વિષયક,  તેઓશ્રીના ભકતોના અવાચક કરી દેતા અનુભવો અને  વવાણિયા ખાતેના આ ભવ્ય મંદિરના જીર્ણોદ્ધારના વિકાસ કાર્ય સંદર્ભે નિયમિત માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. મેગેઝીનના કોમેન્ટ બૉક્સ મા આપના અભિપ્રાય જાણવા ગમશે. ધન્યવાદ…

જય સિયારામ,

જય બાબાજી, જય મહારાજજી..

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો