I am Glorious Gujarati – ॥ હું ગૌરવવંતો ગુજરાતી ॥
Written BY : Vinod Shah ‘Vaasu’ – Anand, Gujarat
5th July, 2026
હું ગૌરવવંતો ગુજરાતી.
આજે વાત કરીએ ગુજરાતની.
મારું ગુજરાત. એક દિવસ પ્રભુ એક નારીની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા! એને વરદાન માગવા માટે કહ્યું અને નારીએ વરદાન માંગતા કહ્યું: “પ્રભુ, મને એવું વરદાન આપો કે મારી સાતમી પેઢીના સાતમા સંતાનને સાત માળની હવેલીના સાતમા માળે સોનાના પારણામાં હું ઝુલાવું.
આ એક જ વાક્યના વરદાનમાં કેટકેટલું માગી લીધું એ નારીએ. સાત સાત ભવની સાધનાથી પણ ભાગ્યેજ મળે એવું અનેરું સુખ પ્રભુની પાસે એક જ વરદાનમાં માગી લીધું. એ હતી ગુર્જર નાર, શ્રી એના કપાળે દોરાયેલી હતી અને સરસ્વતી એની જીભે વસેલી હતી.
હું ગૌરવવંતો ગુજરાતી. આવી ગુર્જર માતાનું સંતાન છું. કહો કે, મારું ગુજરાત આવી એક ગુર્જર નારીના વરદાનથી રચાયું છે.

હવે જરા મારા ગુજરાતને ઈતિહાસની દૃષ્ટિએ જોઈએ. પત્થર યુગ અને હડપ્પા સંસ્કૃતિનો એ કાળ હતો. આ કાળની લગભગ પાંચમી સદીમાં સાબરમતી અને મહી નદીના કિનારે કેટલાક ગુર્જરો આવીને વસ્યા. લોથલ, રામપુર, આમરી અને અન્ય કેટલાંક સ્થળોએ પણ તેમણે પોતાનો વસવાટ કર્યો. અહીંની ભૂમિને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી જે આગળ જતાં તેમની જન્મભૂમિ બની ગઈ. સાતમી આઠમી સદી સુધીમાં તેમની વસ્તી નોંધપાત્ર બની ગઈ. આજના રાજસ્થાન અને ગુજરાતનો મોટો ભાગ ગુજરાત અથવા ગુર્જર ભૂમિ તરીકે જાણીતો થયો. તવારીખની તારીખો કહે છે કે ૨૫ મે, ૧૪૫૮થી ૨૩ નવેમ્બર, ૧૫૧૧ સુધી ગુર્જર ભૂમિ પર મહમૂદ બેગડાનું શાસન રહ્યું. એટલે કે તેણે ૪૩ વર્ષ સુધી આ ભૂમિ પર રાજ્ય કર્યું. આ દરમ્યાન તેણે માળવાને પણ ગુજરાતમાં સમાવી લીધું. તેના લાંબા શાસનકાળ પછી મોગલ શાસન નબળું પડતું ગયું. તેમાંય તૈમુરના પતન પછી મોગલ સલ્તનત સાવ નબળી પડી. આનો લાભ ઉઠાવી છેલ્લા તઘલગી સુબા ઝફરખાને પોતાને સ્વતંત્ર રાજા જાહેર કરીને ગુજરાત સલ્તનતની સ્થાપના કરી. તેના પૌત્ર અહમદ શાહ સુધી ગુજરાત તઘલગી શાસનમાં રહ્યું. અહમદ શાહને પોતાના રાજ્ય માટે નવી રાજધાનીની શોધ હતી. એક દિવસ તે ફરવા નીકળ્યો હતો ત્યાં તેણે એક અવનવું દૃશ્ય જોયું. તેણે જોયું કે એક સસલાની પાછળ એક કૂતરું પડ્યું હતું. સસલાએ પહેલાં થોડી પીછેહઠ કરી, પરંતુ જ્યારે જોયું કે કૂતરું તેના પર હાવી થઈ રહ્યું છે ત્યારે તેણે પૂરા જોશ અને સાહસ સાથે કૂતરાની સામે મોરચો માંડી દીધો. કૂતરાએ પીછેહઠ કરવી પડી. અહમદશાહ એ સસલાના સાહસ પર આફરિન પોકારી ગયો. તેને થયું કે જે ભૂમિના સસલામાં આવું સાહસ હોય તે ભૂમિ પોતે કેટલી પરાક્રમી હોય? અને તેણે ત્યાં જે કર્ણાવતી નગરી હતી ત્યાં જ તેણે પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ નામનું એક શહેર વસાવ્યું જે ગુજરાતનું પાટનગર બન્યું. મોગલ શાસન બાદ અંગ્રેજોના શાસનમાં અને સ્વતંત્રતા પછી ભારતવર્ષના શાસનમાં અમદાવાદ ગુજરાતના પાટનગર તરીકે જળવાઈ રહ્યું. આજે પણ એના માટે ગવાય છે કે,
‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદ શાહને ‘શહર’ બસાયા!’
અને ઈતિહાસ કહે છે કે આ અમદાવાદના પાણીએ ભલભલાનું પાણી માપી લીધું છે. અહીંના જ અહિંસાના એક સંતે અંગ્રેજોના પગે એવું પાણી લાવી દીધું કે એમણે ભારત દેશને આઝાદ કરવો પડ્યો.
આ અમદાવાદ ભારતનું સૌ પ્રથમ ‘UNESCO World Heritage City‘છે.
આધુનિક ગુજરાતનું સૌથી જુનું શહેર છે ભરુચ.
ભારતનું તે બીજા નંબરનું એવું સૌથી જુનું શહેર છે જે દરેક પ્રકારના ઐતિહાસિક અને ભૌગોલિક બદલાવો વચ્ચે પણ હંમેશા અડીખમ રહ્યું છે. એથી જ કહેવાય છે કે, ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ. ભારતનું એક નંબરનું સૌથી જુનું શહેર છે વારાસણી, જે કાશી તરીકે પણ ઓળખાય છે, અને એ જુઓ કે એ કાશી આજે એક ગુજરાતી વડાપ્રધાન, ‘નરેન્દ્ર મોદી’ના શહેર તરીકે ઓળખાય છે. ભારતે પોતાના વડાપ્રધાન વારાસણીથી ચૂંટ્યા છે.
નરેન્દ્ર મોદી પહેલાં ગુજરાતે ભારતને મહાત્મા ગાંધી આપ્યા, જે ભારતની સ્વતંત્રતાના શિલ્પી રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા જેમણે વિવિધ રજવાડાંઓને જોડીને વિશાળ ભારત બનાવ્યું. અને જે ગુજરાતના પિતા કહેવાય છે તે રવિશંકર મહારાજને કેમ કરીને ભૂલાય? એમની ‘માણસાઈના દિવા’ આજે પણ ગુજરાતની ભૂમિની એક ગૌરવગાથા બનીને પ્રકાશી રહ્યા છે. આ જ ભૂમિ પર સયાજીરાવ ગાયકવાડ જેવા આદરપાત્ર શાસકે વડોદરાને શ્રીમંત બનાવવાની સાથે જ કલા અને સંસ્કાર નગરી પણ બનાવ્યું. ભારતના બંધારણને ઘડવામાં જેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી તે કનૈયાલાલ મુનશી પણ ગુજરાતના જ. અવકાશ વિજ્ઞાનના પ્રણેતા વિક્રમ સારાભાઈની જન્મભૂમિ પણ ગુજરાત જ. આ જ ભૂમિના ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિ માત્ર ગુજરાત કે ભારતના જ નહીં, પરંતુ સમગ્ર એશિયાના સૌથી ધનવાન માનવ છે. અંબાણી પરિવાર પણ મૂળે તો ગુજરાતનો જ. દાદાભાઈ નવરોજી, અઝીઝ પ્રેમજી, જમશેદજી ટાટા, ડાયના એડલજી જેવી મહા વિભૂતિઓનાં નામોથી ગૌરવવંતો છે ગુજરાતનો ઈતિહાસ.
તો ગુજરાતની વિદૂષીઓને કેમ ભૂલાય? કસ્તૂરબાથી શકરીને મૃણાલિની સારાભાઈસુધીનાં નામ છે આપણી પાસે. સમાજ સેવિકા ઈલાબેન ભટ્ટ, સાહિત્યમૂર્તિ ઈલા આરબ મહેતા, અભિનેત્રી આશા પારેખ, ટેનિસ પ્લેયર અંકિતા રૈના, લોકગીતોનાં અનોખાં ગાયિકા દિવાળીબેન ભીલ, ફિલ્મી ગીતોની ગાયિકા શ્રેયા ઘોષાલ, આવાં તો ગુજરાતનાં અનેક નારી રત્નો છે.
બેશક, આ સૌ ગુજરાતનાં મહામૂલો રત્નો છે. પરંતુ આ બધાંની સાથે જ ગુજરાતની ભૂમિને મળ્યો છે ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો. આ દરિયાકિનારો ગુજરાતની ભૌગોલિક મહત્તાને વધારે છે. યાદ રહે, રાજા કુમારપાળના સમયમાં ગુજરાતના ખંભાતનો દરિયાકિનારો સમગ્ર વિશ્ર્વ સાથે વેપારથી જોડાયેલો હતો અને આ દરિયાકિનારાએ જ કુમારપાળ તથા તેના પહેલાંના રાજાઓને સમૃદ્ધિ બક્ષી હતી. વાસ્તવમાં અગિયારમી તથા બારમી સદીનો કાળ ગુજરાત માટે સુવર્ણકાળ બની રહ્યો હતો. આ દરમ્યાન સોલંકી રાજાઓ, રાજપૂત રાજાઓ તથા કુમારપાળ જેવા જૈન રાજાને કારણે ગુજરાત અત્યંત સમૃદ્ધ રાજ્ય બનીને રહ્યું હતું.
આજની ગુજરાતી ભાષાનો જન્મ પણ આ સમયમાં જ થયો હતો અને ગુજરાતી ભાષાનું વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈન આચાર્ય હેમચંદ્ર દ્વારા રચાયું હતું જે ‘સિદ્ધહેમ વ્યાકરણ’ તરીકે સુપ્રસિદ્ધ છે. આ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જ રાજા કુમારપાળે ગુજરાતને એક મહાન રાજ્ય બનાવ્યું હતું. તે સમયે રાજ્યમાં સંપૂર્ણપણે ‘અમારિ ઘોષણા’ પ્રર્વત્તી રહી હતી. મતલબ કે ત્યારે હિંસા પર સંપૂર્ણત: પ્રતિબંધ હતો. ત્યાં સુધી કે હિંસાસૂચક શબ્દ ‘માર’નો પણ કોઈ ભૂલથીય ઉચ્ચાર કરી શકતું નહોતું.
સોલંકી રાજાઓ તથા રાજપૂતોના યુગ પછી ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું જેનો ભોગ ગુજરાત પણ બન્યું. અંગ્રેજોએ પોતાનો લાભ જોઈને દેશ ના અન્ય વિસ્તારોનો વિકાસ કર્યો અને ગુજરાતનો વેપાર વિવિધ સ્થળે ખેંચાઈ ગયો.
ગુજરાત એક સમયે મહારાષ્ટ્રનો જ એક ભાગ ગણાતું હતું. અંતે ૧ મે ૧૯૬૦માં આજના ગુજરાતની સ્થાપના થઈ. તે સમયે ગુજરાતના ૧૭ જિલ્લા હતા, હવે ૩૩ જિલ્લા છે. તેમાંથી કચ્છ એ સૌથી મોટો અને સૌથી શ્રીમંત જિલ્લો છે જ્યારે ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે. વસ્તીની દૃષ્ટિએ અમદાવાદ સૌથી મોટું શહેર છે તો ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર છે. જામનગરની ઓઈલ રિફાઈનરી વિશ્ર્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે તો સુરત શહેર તેના હિરાઓના વેપારના કારણે ગુજરાતની શ્રીમંતાઈનું ઉન્નત મસ્તક બની રહ્યું છે. તો (કલા નગરી) વડોદરા એ એન.આર.આઇ. અને મુંબઇના રોકાણકારો માટે પ્રોપર્ટી માં રોકાણ ક્ષેત્રે એક ઉતમ વિકલ્પ બની ઉભરી રહ્યું છે. જે નજીકના ભવિશ્યમાં એક આગવું વૈવિધ્યસભર શહેર બની રહે તો નવાઇ નહીં.
ગુજરાતની વસ્તી હિન્દુ બહુમૂલક છે. પાટીદાર જાતિનું અહીં વિશેષ વર્ચસ્વ છે તો જૈનો અહીંની સૌથી ધનિક પ્રજા છે. આ સિવાય અહીં બૌદ્ધ ધર્મ તથા પારસી કોમની પણ સારી એવી વસ્તી છે. સિંધિ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓની પણ અહીં નોંધપાત્ર વસ્તી છે. પોતાની શ્રીમંતાઈ અને ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત ભારતના પશ્ર્ચિમ તટનું આભૂષણ (Jewel of West)ગણાય છે. ગુજરાતનું કચ્છનું રણ વિશ્ર્વનું સૌથી મોટું મીઠાનું રણ (Salt Desert)કહેવાય છે.
અમિતાભ બચ્ચને કહ્યું હતું, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં!’ હા, ગુજરાત એક વિશેષ અને વિશાળ પ્રવાસન કેન્દ્ર છે. સાબરમતિ રિવરફ્રન્ટ, અમદાવાદનું કાંકરિયા તળાવ, ગુજરાતના લોહપુરુષની મહા લોહપ્રતિમા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાય છે, સોમનાથ મંદિર, રાણીની વાવ, અડાલજ વાવ, સોમનાથ મંદિર આ બધાં અહીંના મનમોહક પર્યટન સ્થળ છે. વિવિધ પુરાણી ગુફાઓ, સ્તૂપો તથા પ્રાચીન મંદિરોની પણ અહીં ભરમાર છે.
ગુજરાતની વાત કરી! હવે થોડી મારી વાત કરું! અરે ભાઈ હું તો ગૌરવવંતો ગુજરાતી! હું સરસ્વતીનો પૂજારી અને લક્ષ્મીનો સાધક! મારી સૌથી મોટી ઓળખ છે મારી કોઠાસૂઝ! ગુજરાતી જેવી કોઠાસૂઝ તમને બીજે બહુ ઓછી જોવા મળે! આ કોઠાસૂઝ એવી કે તમને જ્યાં જ્યાં ગુજરાતી મળે ત્યાં ત્યાં પૂરું ગુજરાત મળે! એટલે જ કહવાય છે કે, ‘જ્યાંં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત!’
ગુજરાતી એટલે ડાહીમાનો દીકરો! એ કળથી કામ લે અને જરપડેત્યાંજબળનોપ્રયોગકરે! એનાંસપનાંઆભનેઆંબતાંહોયપણએનાપગધરતીપરબરાબરટકેલાહોય! એનામાટેકહેવાયછેકેએ‘શુભમાં પણ લાભને શોધે!’ કદાચ એટલે જ એને ધૂળમાંથી પણ સોનું બનાવતાં આવડે છે! વેપાર અને વ્યવહારમાં ગુજરાતી આખા જગને પહોંચી વળે પણ જગમાં કોઈ એને ના પહોંચી વળે! વેપાર અને વ્યવહારમાં પાટીદારો જેટલા પાણીદાર અને વાણિયાઓ જેવા વહીવટદાર તમને બીજે બહુ ઓછા જોવા મળે! આ બંને જાતિઓએ ગુજરાતને દેશનું સમૃદ્ધ રાજ્ય બનાવવામાં પાછળ વળીને જોયું નથી!
હું ગૌરવવંતો ગુજરાતી! અને ગુજરાતી એટલે સ્વાદનો ભારે રસિયો! પરદેશ જતા ગુજરાતીના સામાનમાં બીજા સામાન કરતાં ખાવાપીવાની ચીજો વધારે હોય! સુરતની ઘારી, ખંભાતની સૂતરફેણી, ભાવનગરના ગાંઠિયા, ખાંડવી, હાંડવો, ફાફડા, જલેબી, ખમણ, ખીચું, દાબેલી, ખાખરા, પત્તરવેલીનાં પાત્રાં, સૂરતી ઊંધિયું, બાસુંદી, શ્રીખંડ, ફાડા લાપસી, આ બધું તમને ગુજરાતમાં જ મળે અને આ સિવાય જ્યાં મળે ત્યાં તે ગુજરાતથી જ પહોંચેલું હોય!
અને ગુજરાતની અમૂલ ડેરી પૂરા ગર્વથી કહે છે કે ‘અમૂલ દૂધ પીતા હે ઈન્ડિયા!’ અમૂલ ડેરી એટલે ભારતની પ્રથમ સહકારી દૂધ સંસ્થા! કહો કે ભારતનો પ્રથમ ડેરી ઊદ્યોગ!
તો સૂરત છે ગુજરાતનું હિરો! જેમ મુંબઈ ભારતની આર્થિક રાજધાની કહેવાય છે તેમ સુરત ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. અહીં હિરાઓનો જે વેપાર થાય છે તે ગુજરાતની સાથે ભારતને પણ દુનિયાના નકશામાં સાવ અલગ રીતે રજુ કરે છે! ગુજરાતનાં ચાર મહાનગરો છે તેમાં અમદાવાદ, રાજકોટ, અને વડોદરાની સાથે સૂરતનો પણ સમાવેશ થાય છે. તે ભારતનું આઠમું સૌથી મોટું શહેર ગણાય છે. જે શહેરો પોતાના દેશ કે રાજ્યની રાજધાની ના હોવા છતાં પણ મોટાં અને સમૃદ્ધ બન્યાં છે તેવાં શહેરોમાં (નોન-કેપિટલ સીટીઝમાં) સૂરત ભારતનું સૌથી મોટું શહેર ગણાય છે.
આવી છે મારા ગુજરાતની છબી! અને આવો છું હું ગૌરવવંતો ગુજરાતી!
મારી એક અનોખી ઓળખ છે મારી એક અવનવી લોકસંસ્કૃતિ! એટલે કે મારો ગરબો! નવરાત્રિની નવ નવ રાત્રિઓમાં મારો ગરબો ગુજરાતની દરેક શેરીમાં ગૂંજતો સંભળાય! ગુજરાતની બહાર હવે તો તે દેશ-વિદેશ સુધી પહોંચી ગયો છે! પાટણના પટોળાં અને ગવૈયાઓ સાથેનો ગરબો એ મારા ગુજરાતની અને મારી સાવ અલગ ઓળખ ઊભી કરે છે!
અને આ છેલછબીલા ગુજરાતીની એક વાત જરા સાંભળી લો તથા સમજી લો! આમ તો ગરબો મારો શોખ, પણ જો કોઈ મને વતાવે તો એને ગરબો ગાતો કરી દેતાં પણ મને આવડે છે! અમે ગુજરાતી ક્યારેય મનના મેલા નથી હોતા પરંતુ કોઈ અમને વતાવી જાય તો અને એને જતો કરી દઈએ એવા ઘેલા પણ નથી હોતા! પાક્કા વેપારી છીએ! મોલથી ઓછું ના આપીએ અને કશું ઓછું સ્વીકારીએ પણ નહીં! કારણ? કારણ બસ એટલું કે અમારી છાતી છપ્પનની છે ભાઈ!
– વિનોદ શાહ ‘વાસુ’
૯૯૭૯૧૩૭૩૮૦
